સુરત શહેરના કતારગામ વિસ્તારની 37 વર્ષ જૂની દાન ગીવેવ સોસાયટીમાં સુવિધાના નામે મીંડુ!

સુરત શહેરના કતારગામ વિસ્તારના ચીકુવાડી રોડ પર આવેલી દાન ગીવેવ સોસાયટીના રહીશો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે તેવું જોવા મળી રહ્યું છે. વર્ષ 1989માં આ સોસાયટીનો મંજૂર પ્લાન પાસ થયો હતો અને 1993માં સરકારે પ્લાન મુજબ આશરે 940 મીટર જમીન રસ્તા અને કોમન પ્લોટ માટે ફાળવી હતી. છતાં આજદિન સુધી આ સોસાયટીમાં રોડ અને ગટરની કોઈ સુવિધા નાં મળી હોવાની બુમ પડી, આ સોસાયટી નાં રહેવાસી રાજેશ પડાવ એ અનેક વાર ફરિયાદ કરી છતાં કોઈ પણ પ્રકારનો સુધારો ન જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વર્ષોથી વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે, છતાં પરિસ્થિતિ યથાવત છે. ચોમાસા દરમિયાન અહીંના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કાદવ ભરાયેલા રસ્તાઓ અને ગંદકીથી લોકોના આરોગ્ય પર પણ જોખમ ઊભું થાય છે. રોજિંદા જીવનમાં નાની-મોટી જરૂરિયાતો માટે પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બાળકોને શાળાએ જવા માટે મુશ્કેલી પડે છે, જ્યારે વડીલો અને મહિલાઓ માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. ચૂંટણી વખતે વચનો આપવામાં આવે છે, પરંતુ પછી કોઈ નેતા કે તંત્ર તેમની સમસ્યાઓ તરફ ધ્યાન આપતું નથી. હવે રહીશોનો ધીરજ ખૂટી રહ્યો છે અને જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપવામાં આવી રહી છે. આખરે પ્રશ્ન એ છે કે, વિકાસની વાતો વચ્ચે કતારગામની આ સોસાયટી ક્યારે મૂળભૂત સુવિધાઓ મેળવશે? તેવું રહીશોનું કહેવું છે.

