Voice of Surat

સુરતમાં આગામી ૧૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે: ટ્રાફિક ઇ-ચલણના પેન્ડિંગ કેસોનો નિકાલ લાવવા નાગરિકોને અનુરોધ

Posted On: |2 min read
રાષ્ટ્રીય લોક અદાલત અંગે જિલ્લા સત્તા સેવા મંડળ સેક્રેટરીશ્રી રાકેશ ગુપ્તાનું મહત્વનું નિવેદન

સુરત જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા સત્તા સેવા મંડળના સેક્રેટરીશ્રી રાકેશ ગુપ્તાએ નાગરિકોને અપીલ કરતા કહ્યું હતું કે, નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટી (નાલસા) અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી (સાલસા)ના માર્ગદર્શન હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આગામી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

એન.આઈ.સી. (NIC)નું ઈ-ચલણ પોર્ટલ સંપૂર્ણપણે કાર્યરત: નાગરિકો ઘર બેઠા ઓનલાઈન દંડ ભરી શકશે, સુરત ટ્રાફિક શાખા અને કાનૂની સેવા સત્તા મંડળના સંકલનથી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પુનઃ શરૂ

આ લોક અદાલતમાં વાહનચાલકો પોતાના ટ્રાફિક ઇ-ચલણના પેન્ડિંગ તેમજ સમાધાનપાત્ર કેસોનો નિકાલ લાવીને તેનો મહત્તમ લાભ લઈ શકશે. સેક્રેટરીશ્રી રાકેશ ગુપ્તાએ વધુમાં કહ્યું હતું કે, લોકઅદાલતમાં સમાધાન પાત્ર કેશોનું નિરાકરણ લાવવાનો હેતું રહેલો છે. જેમાં મુખ્યત્વે ઈ-ચલણ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો, મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ સહિતના કેસોનું નિરાકરણ લાવવામાં આવે છે. અગાઉ ઈ-ચલણ પોર્ટલ પર ભારે ટ્રાફિકના કારણે ટેકનિકલ મુશ્કેલીઓ સર્જાઈ હતી તેનું યોગ્ય નિવારણ આવી ગયું છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) નું ઇ-ચલણ પોર્ટલ હવે સંપૂર્ણપણે કાર્યરત થઈ ચૂક્યું છે. હવે કોઈપણ પ્રકારની અડચણ વિના પોતાના ઘેર બેઠા જ સરળતાથી પોતાના ઇ-ચલણ ઓનલાઈન ભરી શકશે અને આગામી ૧૨મી સપ્ટેમ્બરે યોજાનારી આ રાષ્ટ્રીય લોક અદાલતનો મહત્તમ લાભ લઈ શકશે. આ ઉપરાંત, ઓનલાઇન માધ્યમની સાથે-સાથે નાગરિકો સુરત પોલીસ કમિશનર કચેરી અથવા જિલ્લા કોર્ટ ખાતે રૂબરૂ મુલાકાત લઈને પણ આ સુવિધાનો સરળતાથી લાભ મેળવી શકશે. વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી આ સરળ વ્યવસ્થાનો લાભ લઈને પોતાના ટ્રાફિક ચલણને લગતા પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવવા માટે નાગરિકોને ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં વધુમાં વધુ સહભાગી થઈ સમાધાન શુલ્ક ભરી દેવા ટ્રાફિક શાખાના ભાનુબેન રબારીએ અનુરોધ કર્યો છે. ટ્રાફિક શાખાના ઈ-ચલણ વિભાગના જિજ્ઞાશાબેને જણાવ્યું હતું કે, નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમના અપડેટને કારણે ગત તા.૧૨મી ઓગસ્ટથી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ બંધ કરવામાં આવી હતી, જેને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સુરત ટ્રાફિક શાખાના સંકલનથી તા. ૮ સપ્ટેમ્બરથી ફરીથી શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ થવાથી નાગરિકો હવે ઓનલાઈન પોર્ટલ પર સરળતાથી દંડ ભરી શકશે. આ ઉપરાંત, જૂના ચલણોની ઓફલાઈન ભરપાઈ કરવા માટે પોલીસ કમિશનર કચેરી અથવા લોક અદાલતના દિવસે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વાહનચાલકો આ સુવિધાનો લાભ લઈ શક્શે એમ તેમણે જણાવ્યું હતું.