Voice of Surat

રીયલ એસ્ટેટ ધમધમ્યું, નાણાકીય વર્ષ 2025-26માં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીથી રૂ. 2,545 કરોડની વિક્રમી આંકડાકીય આવક

Posted On: |6 min read
વૈશ્વિક આર્થિક ચડાવ-ઉતાર વચ્ચે પણ સુરતનું પ્રોપર્ટી માર્કેટ અત્યંત મજબૂત અને રોકાણકારો માટે આકર્ષક બન્યું છે.

અનસારી તાહીર

દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર અને દેશના ઝડપથી વિકસતા ટેક્સટાઇલ તથા ડાયમંડ સિટી સુરતે રિયલ એસ્ટેટ ક્ષેત્રે વધુ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સુરત શહેર તેમજ જિલ્લાની કુલ 18 સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી ક્ષેત્રે અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, વિતેલા નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી મળીને કુલરૂા. 2,545 કરોડથી વધુની માતબર આવક રાજ્ય સરકારની તિજોરીમાં જમા થઈ હોવાનું જાણવા મળે છે. સુરત શહેર અને જિલ્લાના તમામ ઝોનમાં થયેલા આ ગતિશીલ વિકાસે પુરવાર કર્યું છે કે, મંદીના વાદળો વચ્ચે પણ સુરતનું રિયલ એસ્ટેટ માર્કેટ સતત મજબૂત અને રોકાણકારો માટે આકર્ષક બન્યું હોવાનું આંકડાઓ ઉપરથી પ્રતિત થાય છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં ઝડપી શહેરીકરણ, વધતી વસ્તી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિસ્તરણને કારણે રહેણાંક મકાનો, ફ્લેટ, દુકાનો, ઓફિસો તેમજ જમીનના વ્યવહારોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ મિલકતોના ખરીદ-વેચાણ માટે કાયદેસરની પ્રક્રિયા હેઠળ દસ્તાવેજોની નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી પ્રક્રિયા દરમિયાન મિલકતની કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી તથા નોંધણી ફી વસૂલવામાં આવે છે. સુરત શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ જમીન અને મિલકતના વ્યવહારો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. પરિણામે સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણીનું પ્રમાણ વધ્યું છે. નોંધણી વિભાગ દ્વારા ઓનલાઈન સેવાઓ અને ડિજિટલ પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવામાં આવતા નાગરિકો માટે નોંધણી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બની છે. દસ્તાવેજોની નોંધણીમાંથી મળતી આવક સરકાર માટે મહત્વપૂર્ણ આવકનો સ્ત્રોત છે. આ આવકનો ઉપયોગ વિવિધ જાહેર સુવિધાઓ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પાણી અને અન્ય વિકાસલક્ષી કામોમાં થઈ શકે છે. સુરતના વધતા રિયલ એસ્ટેટ વ્યવહારોને જોતા આગામી સમયમાં પણ નોંધણી વિભાગની આવકમાં વધારો થવાની શક્યતા છે. આ રીતે સુરત શહેર તેમજ જિલ્લામાં થતા મિલકતના દસ્તાવેજોની નોંધણી માત્ર કાયદેસર વ્યવહારને સુનિશ્ચિત કરતી નથી, પરંતુ સરકારની આવક વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

18 સબ-રજિસ્ટ્રાર કચેરીઓનો કમાલ:

સુરત શહેરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં

  • સુરત-1 (અઠવા) કચેરીમાં 18541 દસ્તાવેજો સામે 3281542372 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 536309442 નોંધણી ફીની આવક થઇ.
  • સુરત -2 (ઉધના) કચેરીમાં 27139 દસ્તાવેજો સામે 3417233248ની સ્ટેમ્પ ડ્યુટની આવક અને 251660239 નોંધણી ફીની આવક થઇ.
  • સુરત - 3 (નવાગામ) કચેરીમાં 24721 દસ્તાવેજો સામે 1508262610 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 254136087ની નોંધણી ફીની આવક થઇ.
  • સુરત -4 (કતારગામ)માં 19122 દસ્તાવેજો સામે 1137137366 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 179916934 નોંધણી ફીની આવક થઇ.
  • સુરત - 5 (અલથાણ) 16681 દસ્તાવેજો સામે 1414664937 ની સ્પેમ્ટ ડ્યુટીની આવક અને 249342716 નોંધણી ફીની આવક થઇ.
  • સુરત -6 (કુંભારીય) કચેરીમાં 26894 દસ્તાવેજો સામે 1577029828 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 284090793 ની નોંધણી ફીની આવક થઇ.
  • સુરત - 7 (હજીરા) કચેરીમાં 5890 દસ્તાવેજો સામે 633585174 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 117130582 ની નોંધણી ફીની આવક થઇ.
  • સુરત -8 (અડાજણ) કચેરીમાં 37248 દસ્તાવેજો સામે 2812770412 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 506371276 ની નોંધણી ફીની આવક થઇ.
  • સુરત -9 (અબ્રામા) કચેરીમાં 20362 દસ્તાવેજો સામે 1172331816 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 206585705 ની નોંધણી ફીની આવક થઇ.
  • સુરત -10 (નાનપુરા) કચેરીમાં 9562 દસ્તાવેજો સામે 839733265 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 123258071 ની નોંધણી ફીની આવક થઇ.
  • ઓલપાડ કચેરીમાં 21106 દસ્તાવેજો સામે 783000677 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 153121336 ની નોંધણી ફીની આવક થઇ.
  • કામરેજ કચેરીમાં 27390 દસ્તાવેજો સામે 1417499497 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 266626752 ની નોંધણી ફીની આવક થઇ.
  • માંગરોળ કચેરીમાં 10261 દસ્તાવેજો સામે 618097243 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 102142512 ની નોંધણી ફીની આવક થઇ.
  • પલસાણા કચેરીમાં 13675 દસ્તાવેજો સામે 825921132 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 141288812 ની નોંધણી ફીની આવક થઇ.
  • બારડોલી કચેરીમાં 7825 દસ્તાવેજો સામે 376491802 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 72972287 ની નોંધણી ફીની આવક થઇ.
  • માંડવી કચેરીમાં 1854 દસ્તાવેજો સામે 126503134 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 21247387ની નોંધણી ફીની આવક થઇ.
  • મહુવા કચેરીમાં 1080 દસ્તાવેજો સામે 44316360 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 8380928 ની નોંધણી ફીની આવક થઇ.
  • ઉમરપાડા કચેરીમાં 79 દસ્તાવેજો સામે 3139306 ની સ્ટેમ્પ ડ્યુટીની આવક અને 751020 ની નોંધણી ફીની આવક થઇ.

મિલકત નોંધણી અને આવકના મુખ્ય આંકડાકુલ નોંધાયેલા દસ્તાવેજો: ૨,૮૯,૪૩૦

એકત્રિત થયેલી સ્ટેમ્પ ડ્યૂટી: રૂ. ૨,૧૯૮ કરોડ

એકત્રિત થયેલી રજિસ્ટ્રેશન ફી: રૂ. ૩૪૭ કરોડ

કુલ પ્રાપ્ત થયેલી આવક: રૂ. ૨,૫૪૫ કરોડ

*સરકારી તિજોરી છલકાઈ: રાજ્યના વિકાસ કાર્યોને મળશે વેગ*સુરત જિલ્લામાંથી પ્રાપ્ત થયેલી રૂ. ૨,૫૪૫ કરોડની આ માતબર આવક રાજ્ય સરકાર માટે રાજસ્વનો મોટો સ્ત્રોત બની રહે છે. સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી મળતી આ આવકનો ઉપયોગ શહેરી વિકાસ, માર્ગ નિર્માણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે કરવામાં આવશે.

રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું શું કહેવું છે.સુરતના બિલ્ડર એસોસિએશન અને પ્રોપર્ટી એક્સપર્ટ્સના મતે, આ આંકડા સુરતના આર્થિક સ્વાસ્થ્ય અને સ્થિરતાના પ્રતિક છે. કોવિડ બાદના સમયગાળા પછી પણ સુરતના મકાન અને જમીનના ખરીદ-વેચાણમાં સતત ગ્રોથ જોવા મળ્યો છે. ૨,૮૯,૪૩૦ જેટલા દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન એ સાબિત કરે છે કે સુરતમાં રિયલ એસ્ટેટની માગ ક્યારેય ઘટી નથી, પરંતુ તે ઉત્તરોત્તર નવી ઊંચાઈઓ સર કરી રહી છે. આગામી વર્ષોમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની અને દસ્તાવેજ નોંધણી તથા આવકના ક્ષેત્રે નવા રેકોર્ડ સર્જાવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.