Voice of Surat

સુરત સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરોમાં રોષ: મેનેજર દેવેન્દ્ર મિસ્ત્રીને હટાવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત

Posted On: |4 min read
Voice of Surat News

સુરત શહેર અને જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો અને સ્કેનિંગ ઓપરેટરોમાં છેલ્લા કેટલાક સમયથી અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અસંતોષ વચ્ચે સિલ્વરરચ ટેકનોલોજીસ લિમિટેડનામેનેજર દેવેન્દ્ર મિસ્ત્રીસામે ગંભીર આક્ષેપો સાથે ઓપરેટરો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રજૂઆતમાંદેવેન્દ્ર મિસ્ત્રીનેતાત્કાલિક ફરજ પરથી હટાવી તેમના સ્થાને તટસ્થ અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સિલ્વર ટચ ટેકનોલોજીસ લિમિટેડ કંપનીના મેનેજરદેવેન્દ્ર મિસ્ત્રીદ્વારા પોતાની અંગત અદાવત અને મનદુઃખના કારણે કેટલાક કર્મચારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. રજૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઈ વહીવટી જરૂરિયાત અથવા યોગ્ય કારણ વિના શહેરના કોમ્પ્યુટર અને સ્કેનિંગ ઓપરેટરોને જિલ્લાની કચેરીઓમાં તથા જિલ્લાની કચેરીઓમાં ફરજ બજાવતા ઓપરેટરોને શહેરની કચેરીઓમાં બદલી કરવામાં આવી છે.

સુરત શહેર તેમજ જિલ્લાના કોમ્પ્યુટર ઓપરેટર અને સ્કેનિંગ ઓપરેટરોનું કહેવું છે કે આ બદલીઓ પારદર્શક પ્રક્રિયા મુજબ નહીં પરંતુ પસંદગી અને અંગત અભિગમના આધારે કરવામાં આવી હોવાનું તેઓ માને છે. તેના કારણે કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે અને રોજિંદી કામગીરી પણ પ્રભાવિત થઈ રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.લાંબા સમયથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા કર્મચારીઓને કોઈ પૂર્વ સૂચના કે યોગ્ય કારણ વગર બદલી આપવામાં આવતાં તેમને માનસિક, પારિવારિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને શહેર અને જિલ્લાના વિવિધ સ્થળોએ ફરજ બદલાતા રોજિંદા મુસાફરીનો સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો હોવાનું પણ રજૂઆતમાં દર્શાવવામાં આવ્યું છે. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કર્મચારીઓની રજૂઆતો અને પ્રશ્નોને યોગ્ય રીતે સાંભળવામાં આવતા નથી. કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેમની સમસ્યાઓના ઉકેલ માટે કરવામાં આવતી રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવતી નથી, જેના કારણે અસંતોષ વધુ વધ્યો છે.

અરજદારોનું કહેવું છે કે સરકારી કચેરીઓમાં સેવાઓ આપતા ખાનગી એજન્સીના અધિકારીઓ દ્વારા જો અંગત મતભેદના આધારે નિર્ણયો લેવામાં આવે તો તેનો સીધો પ્રભાવ કર્મચારીઓના મનોબળ અને જાહેર સેવાઓની ગુણવત્તા પર પડી શકે છે. તેથી વહીવટમાં પારદર્શિતા અને સમાનતા જળવાય તે માટે યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત હોવાનું તેમણે રજૂઆતમાં જણાવ્યું છે. રજૂઆતમાં વધુમાં એવી માંગ પણ કરવામાં આવી છે કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી દેવેન્દ્ર મિસ્ત્રીને મેનેજર તરીકેની જવાબદારીમાંથી દૂર કરવામાં આવે અને તેમની જગ્યાએ તટસ્થ અધિકારીની નિમણૂક કરવામાં આવે જેથી તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે અને કર્મચારીઓ કોઈ દબાણ વિના પોતાની વાત રજૂ કરી શકે. આ સમગ્ર મામલો હવે જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ પહોંચ્યો છે. કર્મચારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે તેમની રજૂઆતને ગંભીરતાથી લઈને યોગ્ય તપાસ કરવામાં આવશે અને જરૂરી હોય ત્યાં યોગ્ય વહીવટી નિર્ણય લેવામાં આવશે.

આ બાબતેદેવેન્દ્ર મિસ્ત્રીઅથવા સિલ્વરરચ ટેકનોલોજીસ લિમિટેડ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થયો હોવાનું જાણવા મળ્યું નથી. જો કંપની અથવા સંબંધિત અધિકારી તરફથી કોઈ સ્પષ્ટીકરણ અથવા જવાબ પ્રાપ્ત થશે તો તેને પણ સમાન મહત્વ સાથે પ્રકાશિત કરવામાં આવશે. હાલમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે સબ રજીસ્ટ્રાર કચેરીઓના વહીવટ અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે જિલ્લા કલેક્ટર અને સંબંધિત સત્તાધિકારીઓ આ રજૂઆતના આધારે શું કાર્યવાહી કરે છે તેના પર કર્મચારીઓ તેમજ સંબંધિત વર્તુળોની નજર મંડાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના તમામ ઓપરેટરોના હિતમાં અને સરકારી કચેરીની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલતી રહે તે હેતુથી, દેવેન્દ્ર મિસ્ત્રીને સુરત ઝોનની જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે. જો દેવેન્દ્ર મિસ્ત્રીને હટાવવામાં નહીં આવે અથવા ઓપરેટરોની સહમતિ વગર કોઈ મનસ્વી અધિકારીની નિમણૂક કરવામાં આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સિલ્વર ટચ મેનેજમેન્ટની રહેશે અને અમારે નાછૂટકે ફરીથી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું લેખીતમાં કલેક્ટરશ્રી અને સુરત ઝોન એઆઇજીઆરને કરી હોવાનું જાણવા મળે છે.