Voice of Surat

તાપી નદીમાંથી પરિણીત મહિલાનું મૃતદેહ મળતા ચકચાર

Posted On: |1 min read
Voice of Surat News

તાપી નદીમાં એક પરિણીત મહિલાનો મૃતદેહ મળતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, મહિલાએ પારિવારિક વિવાદથી વ્યથિત થઈ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના કાપોદ્રા વિસ્તારની આદર્શ સોસાયટીમાં રહેતા 42 થી 45 વર્ષીય મહિલા ગત રોજ મોડી સાંજે ઘરેથી બહાર નીકળ્યા હતા. પરિવારજનોએ શરૂઆતમાં સામાન્ય વાત માની હતી, પરંતુ રાત્રે મોડા સુધી ઘરે પરત ન ફરતા ચિંતા વધી હતી. ત્યારબાદ પરિવારજનોએ આસપાસ તેમજ ઓળખીતાઓમાં તેમની શોધખોળ શરૂ કરી હતી. આજે અચાનક બીજા દિવસે કાપોદ્રા બ્રિજ નજીકથી પસાર થતાં લોકોએ તાપી નદીમાં એક મહિલાની લાશ તરતી જોતા તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે મહેનત બાદ નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પછી મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ મહિલાના સબંધી ઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. સમગ્ર બનાવને લઈને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઇ હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાને ગત રોજ પરિવાર સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો, જેનાથી તેઓ માનસિક રીતે વ્યથિત થઈ ગયા હતા. આ કારણે તેઓ ઘરેથી નીકળી ગયા અને આ ગંભીર પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં કાપોદ્રા પોલીસે ઘટના અંગે કાર્યવાહી શરૂ કરી મૃતદેહનો કબજો ઉત્રાણ પોલીસને સોંપ્યો છે, કારણ કે ઘટનાસ્થળ તેમની હદમાં આવે છે. ઉત્રાણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.