શિક્ષણ સર્વદાના તંત્રી અને કરિયર કાઉન્સેલર શ્રી જયેશ બ્રહમભટ્ટે ધોરણ ૧૦ તથા ધોરણ ૧ર સાયન્સ અને કોમર્સ બાદના વિકલ્પો અંગે માર્ગદર્શન આપ્યું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે હેતુસર 'કરિયર ગાઇડન્સ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત તા. ૧૦ અને ૧૧ એપ્રિલ, ર૦ર૬ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શિક્ષણ સર્વદાના તંત્રી અને કરિયર કાઉન્સેલર શ્રી જયેશ બ્રહમભટ્ટે ધોરણ ૧૦ તથા ધોરણ ૧ર કોમર્સ અને સાયન્સ બાદ કયા ક્ષેત્રમાં કારકિર્દીનું ઘડતર કરાય તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને વિસ્તૃત જાણકારી આપી હતી.
શિક્ષણ સર્વદાના તંત્રી અને કરિયર કાઉન્સેલર શ્રી જયેશ બ્રહમભટ્ટે જણાવ્યું હતું કે, ધોરણ ૧ર વિજ્ઞાન બાદ વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રોમાં વિશાળ કારકિર્દી તકો ઉપલબ્ધ છે, પરંતુ યોગ્ય માહિતીના અભાવે વિદ્યાર્થીઓ ઘણીવાર ગેરમાર્ગે દોરાઇ જાય છે. તેમણે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી, પ્યોર સાયન્સ, રિસર્ચ, ડિફેન્સ, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ નવા ઊભરતા ક્ષેત્રો વિશે વિગતવાર સમજ આપી હતી. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ માત્ર પરંપરાગત કોર્સ સુધી મર્યાદિત ન રહી પોતાના રસ, ક્ષમતા અને બજારમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને યોગ્ય ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, ધોરણ ૧૦ બાદ વિદ્યાર્થીઓ માટે સાયન્સ, કોમર્સ અને આટ્ર્સ જેવા વિવિધ પ્રવાહો ઉપલબ્ધ છે, જેમાંથી પોતાની ક્ષમતા અને ભવિષ્યના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને યોગ્ય પસંદગી કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર માક્ર્સના આધાર પર નહીં પરંતુ પોતાની રૂચિઓને સમજતા નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કરિયર કાઉન્સેલર શ્રી બ્રહમભટ્ટે જણાવ્યું હતું કે, ધોરણ ૧ર કોમર્સ બાદ પણ વિદ્યાર્થીઓ માટે અનેક કારકિર્દી વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે B.Com, BBA, CA, CS, CMA, બેન્કિંગ, ફાઇનાન્સ, મેનેજમેન્ટ તેમજ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રમાં પણ ઉત્તમ તકો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં ફાઇનાન્સ, ડિજિટલ માર્કેટિંગ, બિઝનેસ એનાલિટિકસ જેવા ક્ષેત્રોમાં વિશેષ માંગ વધી રહી છે, જેથી વિદ્યાર્થીઓએ સમયાનુકૂળ અને પ્રેકિટકલ જ્ઞાન મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે વાલીઓને પણ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, બાળકો પર અનાવશ્યક દબાણ ન મુકવું જોઈએ, પરંતુ તેમની પ્રતિભાને ધ્યાનમાં રાખીને તેઓને પ્રોત્સાહિત કરી યોગ્ય દિશા આપવી જોઈએ. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ કારકિર્દી ઘડતર સંદર્ભે વિવિધ પ્રશ્નો પુછીને પોતાની મુંઝવણો દૂર કરી હતી. બંને સેશન ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત રહ્યા હતા.ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સ્વાગત સંબોધન કર્યું હતું. એસજીસીસીઆઇ એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન શ્રી મહેશ પમનાણી, ચેમ્બરની એજ્યુકેશન એન્ડ એકેડેમિક કમિટીના કો–ચેરપર્સન શ્રીમતી સ્નેહા જરીવાલા, વિદ્યાર્થીઓ અને વાલીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

