ટી એન્ડ ટી વી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં ફાયર મૉક ડ્રિલનું સફળ આયોજન

ટી એન્ડ ટી વી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ,વિનસ હોસ્પીટલ,રામપુરા,સુરત ખાતે એસ.એમ.સી. ફાયર વિભાગના સહયોગથી ફાયર મૉક ડ્રિલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.મૉક ડ્રિલ દરમિયાન એસ.એમ.સી. ફાયર વિભાગના નિષ્ણાતોએ આગ લાગવાની સ્થિતિમાં શું કરવું, ફાયર એક્સ્ટિંગ્યુઇશરનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો, ઈમારતમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા તેમજ તાત્કાલિક સમયે અન્ય વ્યક્તિઓને મદદ કરવાની રીતે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
એસ.ડી.વી.એસ. અશક્તાશ્રમ ટ્રસ્ટ ના માર્ગદર્શન હેઠળ ફાયર મૉક ડ્રિલ યોજાઇ હતી. આવી તાલીમો નિયમિતપણે યોજવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ પ્રોફેસર કિરણ દોમડિયા,સુરત મહાનગર પાલિકા ના ફાયર ઓફિસર , સંસ્થાના કુલ ૧૫૦ નર્સિંગ ના વિદ્યાર્થીઓ અને ટી એન્ડ ટી વી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ના ૪૦ સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રાયોગિક તાલીમ દ્વારા તમામ ભાગીદારોમાં આત્મવિશ્વાસ વધ્યો હતો અને આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તેઓ વધુ તૈયાર થયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં મોટી દુર્ઘટનઓ, આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ, સુરક્ષા અને બચાવની જાગૃતિ વધારવાનો હતો.કાર્યક્રમના અંતે વાઇસ પ્રિન્સિપાલ જિમી જેમ્સ મોગારિયાએ એસ.એમ.સી. ફાયર વિભાગના અધિકારીઓ અને તમામ ભાગીદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.સંસ્થાના સિવિલ એન્જીનીયર સુનિશ પટેલ નો સહયોગ મળ્યો હતો. આ ફાયર મૉક ડ્રિલ સંસ્થાના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં સુરક્ષા જાગૃતિ વધારવા માટે અત્યંત માહિતીપ્રદ અને ઉપયોગી સાબિત થઈ હતી.


