Voice of Surat

ક્રિપ્ટો કરન્સી ફ્રોડ કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર કરતી સુરત સેશન્સ કોર્ટ

Posted On: |1 min read
Voice of Surat News

સુરતના હીરાબાગ વિસ્તારમાં રહેતા અને હાલ લાજપોર જેલમાં બંધ મનીષ જીના ગોયાણીની જામીન અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આરોપી સામે મુખ્ય સૂત્રધાર સાથે મળીને ફરિયાદીના ફોનમાં બોગસ ડિજિટલ લિંક મોકલી, ફોન હેક કરી ક્રિપ્ટો ટ્રેડિંગના બહાને મોટી રકમની છેતરપિંડી કરવાનો આક્ષેપ છે. આરોપી મનીષ ગોયાણીએ કરેલી જામીન અરજીના વિરોધમાં વકીલશ્રી રહીમ શેખે લેખીત દલીલો કરી હતી કે આરોપીના બેંક એકાઉન્ટનો ઉપયોગ ફર્સ્ટ લેયર તરીકે નાણાં મેળવવા માટે કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અન્ય બેંક ખાતાઓમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે. આરોપી સામે NCCRP પોર્ટલ પર અન્ય ત્રણ ફરિયાદો પણ નોંધાયેલી છે. કોર્ટે નોંધ્યું હતું કે સાયબર ક્રાઈમ એ ગંભીર ગુનો છે અને આ કેસમાં મુખ્ય આરોપી હજુ ફરાર છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે અથવા સાક્ષીઓને ડરાવી શકે તેવી શક્યતા છે. ગુનાની ગંભીરતા અને અન્ય રાજ્યોમાં પેન્ડિંગ તપાસને ધ્યાને રાખીને કોર્ટે મનીષ ગોયાણીને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.