Voice of Surat

સુરતના કાપડ વેપારી સાથે દોઢ કરોની ઠગાઇના કેસમાં વેપારીના જામીન નામંજુર

Posted On: |2 min read
ગુનામાં આરોપીનો સક્રિય રોલ હોય જામીન આપવાથી બીજા વેપારીઓ ગુનો કરતા ખચકાશે નહિ જણાવી કોર્ટે આરોપીની અરજી ફગાવી

સુરત સચિન જી આઇ ડી સી સ્થિત શ્યામ ક્રીએશન તથા કેશર ક્રીએશન ના કાપડ વેપારી સાથે સાથે દોઢ કરોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા વેપારી નેનારામ રામનિવાસ જાટ ધ્વારા નામદાર કોર્ટમાં કરેલ જામીન અરજી કોર્ટે નામંજુર કરી હતી. એડવોકેટ કિશન જે પારેખ ના જણાવ્યા અનુસાર સચિન જી આઇ ડી સી ખાતે શ્યામ ક્રીએશન તથા કેશર ક્રીએશન નામથી કાપડનો વેપાર કરતા સુરેશભાઈ હરીભાઈ રાખોલીયાએ સચિન જી આઈ ડી સી પોલીસ મથકમાં ઈ.પી.કો. કલમ ૪૨૦, ૪૦૯, ૧૧૪. ૧૨૦(બી) અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ કાપડ દલાલ સંજય મહેશ્વરીએ સુરેશભાઈ હરીભાઈ રાખોલીયા પાસેથી આરોપી શીલ્પા એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર મંજુદેવી નેનરામ જાટ તથા ટી.આર. માર્કેટીંગના પ્રોપ્રાયટર નવિન ઉર્ફે નેનારામ રામનિવાસ જાટનાઓને ઉધાર માલ અપાવી છેતરપીંડી કરી હતી.આ ગુનામાં વેપારી નેનારામ રામનિવાસ જાટ ની ભૂમિકા પણ સામે આવી હતી. જેમાં દલાલ સંજય સોહનલાલ મહેશ્વરીએ ફરીયાદીને લોભામણી અને લલચામણી વાતોમાં ભોળવીને અને તેઓની વાત ઉપર ભરોસો અને વિશ્વાસ મુકી મુખ્ય આરોપી વેપારી નેનારામ રામનિવાસ જાટ સાથે વેપાર શરૂ કરેલ અને દલાલની મધ્યસ્થીથી મુખ્ય આરોપીને કુલ્લે રૂા.૧,૪૭,૩૭,૫૪૮/- ની કિંમતનો કાપડનો માલ વેચાણ કરેલ જે રકમ આરોપીઓએ નહિ ચૂકવી ઠગાઈ આચરેલ.સુનાવણી દરમિયાન અરજીના વિરોધમાં સરકાર પક્ષે એપીપી ભરત ચાવડા તેમજ મૂળ ફરિયાદીના એડવોકેટ કિશન જે પારેખની એફિડેવિટ રજૂ કરી જણાવ્યું હતું કે, ગુનામાં આરોપીએ સક્રિય ભાગ ભજવ્યો છે. ગુનાની તપાસ પુર્ણ થવા માત્રથી જામીન આપી શકાઈ નહીં, ફરીયાદી ઉપરાંત હજુ અન્ય ભોગબનનાર વેપારીઓ સાથે પણ આરોપી ધ્વારા છેતરપિંડી કરેલ છે જે પણ તપાસ દરમિયાન મળી આવેલ છે જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો કાપડ માર્કેટમાં આવા પ્રકારની માનસિકતા ધરાવતા બીજા આરોપીઓ ગુના કરતા ખચકાટ અનુભવશે નહીં તેવી શક્યતા નકારી શકાય તેમ નથી, પ્રથમદર્શનિય કેસ છે. બન્ને પક્ષની દલીલો બાદ કોર્ટે અરજી નામંજુર કરેલ હતી.