‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમમાં દબાણ, જમીન સંપાદન સહિત કુલ ૧૬ પ્રશ્નો પૈકી ૦૪ પ્રશ્નોનું નિરાકરણ કરાયું

નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘સ્વાગત’ અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જુલાઈ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગત માસના પડતર પ્રશ્નો સહિત વિવિધ ફરિયાદોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષાએ નિરાકરણ ન આવ્યા હોય તેવા ૧૬ જેટલા પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. જે પૈકી ગેરકાયદેસર દબાણ, જમીન સંપાદન સહિતના કુલ ૦૪ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિવારણ કર્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ગેરકાયદેસર બાંધકામ, પાર્કિંગ દબાણ, જમીન સંપાદન, ડ્રેનેજના પાણીનો નિકાલ, વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન, પોલીસ વિભાગ તેમજ NOC ન આપવા બાબત સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં અરજદારોના પ્રશ્નોનો સંતોષજનક નિકાલ કરવા માટે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા દાખવ્યા વિના, નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે સૂચનાઓ કર્યા હતા. સ્વાગત કાર્યક્રમ એ પ્રજાના અવાજને સાંભળવાનું અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનું સશક્ત માધ્યમ છે. સરકારી નિર્ણયોનું ચુસ્ત પાલન થાય અને અરજદારોને ન્યાય મળે તે તમામ અધિકારીઓની પ્રાથમિક જવાબદારી છે એમ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવેન્દ્ર પ્રકાશ મીણા (IAS),નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, સુરત મહાનગરપાલિકા, જિ.પુરવઠા વિભાગ, સિટી સર્વે, એન.એચ.એ.આઈ, પોલીસ તંત્રના અધિકારીઓ સહિત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

