નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારક સુધી પહોંચવું પ્રવાસીઓ માટે બન્યું મુશ્કેલ! પરિવહન સુવિધાઓના અભાવે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો?

મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડી કૂચની સ્મૃતિને જીવંત રાખવા માટે નવસારી જિલ્લાના દાંડી ખાતે અંદાજે રૂ.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલું ભવ્ય રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક આજે પરિવહન સુવિધાઓના અભાવે પ્રવાસીઓની મુશ્કેલીનું કેન્દ્ર બન્યું છે. દેશ-વિદેશમાં ઐતિહાસિક ઓળખ ધરાવતા આ સ્મારક સુધી પહોંચવા માટે પૂરતી બસ સેવા ઉપલબ્ધ ન હોવા ઉપરાંત રેલવે કનેક્ટિવિટીની મર્યાદાઓને કારણે પ્રવાસીઓની અવરજવર પર અસર પડી રહી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
સ્મારક રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું, બસ સેવા સાંજે 6:30 વાગ્યે બંધ!
સ્મારકના મેનેજરના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક રાત્રે 8 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહે છે. જોકે, દાંડીથી નવસારી પરત ફરવા માટેની એસ.ટી. બસ સેવા સાંજે આશરે 6:30 વાગ્યે જ બંધ થઈ જાય છે.પરિણામે, સાંજના સમયે સ્મારકની મુલાકાત લેતા પ્રવાસીઓને પરત ફરવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જેના કારણે વધારાનો આર્થિક બોજ સહન કરવો પડે છે. સ્મારક ખુલ્લું રહેવાના સમય અને જાહેર પરિવહનના સમય વચ્ચેના આ અંતરને કારણે પ્રવાસીઓ વહેલા પરત ફરવા મજબૂર બને છે.

