Voice of Surat

મજુરાગેટ સ્થિત RTOની જર્જરિત જૂની ઇમારત ખાતેથી સુરક્ષાત્મક પગલાં, રેકોર્ડ નિકાલ અને વાહનોની હરાજી અંગે અગત્યની સ્પષ્ટ

Posted On: |2 min read
Voice of Surat News

સુરત RTOની મજુરાગેટ સ્થિત કચેરીનું જૂનું બિલ્ડીંગ વર્ષ ૧૯૯૧માં બનેલું આશરે ૩૫ વર્ષ જૂનું છે. તેમજ છેલ્લા ૧૨ વર્ષથી ઉપયોગમાં નથી. આ બિલ્ડીંગ હાલ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોઈ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતા હોવાથી માનવજીવનની સુરક્ષાને અગ્રતા આપીને ત્યાં ફરજ બજાવતા તમામ GISF કર્મચારીઓને તાત્કાલિક અસરથી સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. જાહેર જનતાની સલામતી કાજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ સ્થળે ત્રાહિત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જૂની ઇમારતમાં અંદર રહેલો ઘણો સામાન ખસેડી શકાય તેમ નથી, અને તેને બળપૂર્વક કાઢવાનો પ્રયાસ કરવાથી માળખું તૂટી પડવાનું કે મોટી દુર્ઘટના થવાનું જોખમ છે. આથી, મજુરાગેટ સ્થિત જર્જરિત મકાનનું સર્વે કરવા તથા ખસેડી ન શકાય તેવા બિનઉપયોગી સામાનના નિકાલ બાબતે માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી છે. ઉપરાંત, કચેરીનો ઉપયોગી સામાન પાલ કચેરી ખાતે સફળતાપૂર્વક સ્થળાંતરિત કરવામાં આવ્યો છે. સરકારની સ્થાયી સૂચના અનુસાર નિયમાનુસાર નિકાલ કરવાપાત્ર રેકોર્ડનો નાશ કરવાની કામગીરી કચેરી દ્વારા કરાયેલી છે. મજુરાગેટ અને પાલ કચેરી ખાતેના નાશ કરવાપાત્ર રેકોર્ડને વર્ગીકૃત કરી, જિલ્લા કલેક્ટર દ્વારા અધિકૃત કરાયેલી એજન્સી મારફત સરકારી નિયમોનુસાર પસ્તી અને બિનઉપયોગી રેકોર્ડનો નિકાલ કરવામાં આવ્યો છે અને તેની આવક સરકારના યોગ્ય શીર્ષકમાં જમા કરાવવામાં આવી છે. વધુમાં, કચેરી દ્વારા સમયાંતરે હાથ ધરાતી રાબેતા મુજબની હરાજી પ્રક્રિયા અંતર્ગત સપ્ટેમ્બર માસમાં ૩૭ વાહનોની હરાજી કરીને અંદાજિત રૂ.૮૭,૨૭,૩૦૨ની આવક મેળવી સરકારમાં જમા કરાવવામાં આવી છે એમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જણાવાયું છે.