સુરત શહેરના ચોક બજાર ચાર રસ્તા પાસેથી ૯૬.૪૬૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાંદેરનો યુવક ઝડપાયો

સુરત શહેરના લાલ ગેટ પોલીસ દ્વારા ચોક બજાર ચાર રસ્તા પાસેથી એક્સેસ મોપેડ ગાડી પર ડ્રગ્સ વેચવા નીકળેલા રાંદેરના યુવકને ઝડપી પાડી રૂપિયા 2.98 લાખનો 96.460 ગ્રામ ડ્રગ્સ અને મોપેડ સહિત રૂપિયા 3.54 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર લાલગેટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન સર્વેન્સ ટીમના અ.હે.કો દિલુભા નસુભા, અ.હે.કો. હરેશભાઈ રામજીભાઈ અ. પો. કોન્સ્ટેબલ યુવરાજસિંહ ભરતસિંહ દ્વારા ચોક ચાર રસ્તા ખાતે આવેલી રામ ભરોસે આઈસ્ક્રીમ પાસેથી એક્સેસ મોપેડ ગાડી ઉપર શંકાસ્પદ જણાતા હાફેજ ખાન મુસ્તાક ખાન પઠાણ રહે સુભાષનગર અડાજણ પાટીયા રાંદેર સુરત ને ઝડપી પાડ્યો હતો. રાંદેરના યુવકની તપાસ કરતા તેના કબજા માંથી વેચાણ માટે રાખેલો રૂપિયા 2.98 લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. લાલગેટ પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને મોપેડ ગાડી સહિત કુલ્લે રૂપિયા 3.54 લાખનો મુદ્દા માલ કબજે કરી રાંદેરના હાફેઝ ખાન વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

