CBI મહાદેવ એપ કેસ : અમદાવાદ સહિત 6 રાજ્યોમાં 33 સ્થળે તપાસ!!

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા મહાદેવ ઓનલાઈન બુક એપ સટ્ટાકાંડમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ તપાસનો વ્યાપ વધારી દેશવ્યાપી દરોડા પાડ્યા છે. CBIની અલગ-અલગ ટીમોએ છ રાજ્યોમાં એક સાથે 33 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત સહિત અમૃતસર, દિલ્હી, નાગપુર, ઈન્દોર અને મુંબઈમાં પણ તપાસ કરવામાં આવી હતી. મહાદેવ એપના સટ્ટાકાંડ સાથે સંકળાયેલા પેનલ ઓપરેટરોને ત્યાં દરોડા પાડીને ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અમદાવાદના અનેક બૂકીઓ સૌરભ ચંદ્રાકારના નેટવર્ક સાથે સીધા સંકળાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ કાર્યવાહી મહાદેવ એપના મુખ્ય પ્રમોટરો પૈકીના એક અને મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવવામાં આવ્યા બાદ તેની પૂછપરછમાં મળેલી વિગતોના આધારે કરવામાં આવી છે. તપાસ દરમિયાન સટ્ટાબાજીની સક્રિય પેનલો અને ઓપરેશનલ યુનિટ મળી આવ્યાં હતાં, જેને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યાં છે. જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં અન્ય વ્યક્તિઓના નામે ખોલવામાં આવેલા મ્યુલ બેંક ખાતાઓ અને હવાલા નેટવર્ક મારફતે નાણાંની હેરફેર થતી હોવાના પુરાવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. CBIએ સૌરભ ચંદ્રાકરને પહેલી નવેમ્બર, 2026ના રોજ ધરપકડ કર્યા બાદ પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ પર લીધો હતો. પૂછપરછ દરમિયાન મહાદેવ એપનું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું અને ભારતમાં પેનલ ઓપરેટરો મારફતે સટ્ટાબાજીનું સંચાલન કેવી રીતે થતું હતું તેની વિગતો બહાર આવી હતી. પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં 12 નવેમ્બરે તેને રાયપુરની વિશેષ CBI અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 19 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હોવાનું જાણવા મળે છે.
અત્ર ઉલ્લેખનીય છે કે CBIની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે મહાદેવ એપનું મુખ્ય સંચાલન વિદેશમાં આવેલી હેડ ઓફિસ મારફતે થતું હતું જ્યારે ભારતમાં પેનલ ઓપરેટરોનું વિશાળ નેટવર્ક કાર્યરત હતું. આ ઓપરેટરો ગ્રાહકોની આઈડીનું સંચાલન કરી સટ્ટાની રકમ અન્ય વ્યક્તિઓનાં નામે ખોલાવેલા અથવા ભાડે મેળવેલા બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા. ત્યારબાદ હવાલા નેટવર્ક મારફતે નાણાં વિદેશ મોકલવામાં આવતા હોવાની તપાસમાં વિગતો મળી છે. હવે CBI આ સમગ્ર નેટવર્કમાં સંકળાયેલા અન્ય આરોપીઓ, વિદેશમાં બેઠેલા સંચાલકો, તેમને મદદ કરનારા વ્યક્તિઓ તેમજ સરકારી કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે. ફરાર આરોપીઓને ભારત લાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં થયેલી તપાસને પગલે સ્થાનિક સ્તરે મહાદેવ એપના નેટવર્ક સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હોવાની ચર્ચા ફેલાઈ રહી છે.

