Voice of Surat

14 સરકારી યુનિ.માં કોમન એક્ટ બાદ એકસાથે ભરતી પ્રક્રિયાની તૈયારી

Posted On: |2 min read
Voice of Surat News

રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી ટીચિંગ અને નોન-ટીચિંગની જગ્યાઓની ભરતી પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાઇ રહે તે માટે તમામ યુનિવર્સિટીઓને ભરતી પ્રક્રિયા શરૂ કરવા તાકીદ કરવામાં આવી છે.

નવી જગ્યાઓ મંજૂર કરવા કે ભરતીના નિયમોમાં ફેરફાર કરવાના થાય તેવી સ્થિતિમાં સરકાર એટલે કે શિક્ષણવિભાગ સાથે પરામર્શ કરવાની પણ તાકીદ કરવામાં આવી છે. એટલું જ નહીં, ભરતી પ્રક્રિયામાં કોઇ ગેરરીતિ કે અનિયમિતતા બહાર આવે તો અથવા જગ્યા સ્થગિત થાય તો રજિસ્ટ્રાર સહિત ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં નોન-ટીચિંગની 167થી વધારે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યા બાદ હવે ખાલી પડેલી જગ્યાઓની ભરતીમાં એકસૂત્રતા જળવાઇ રહે તે માટે તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા કોમન એક્ટમાં સમાવેશ કરાયો છે તેવી યુનિવર્સિટીઓ ઉપરાંત ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન અને સોમનાથ યુનિવર્સિટીને પણ ભરતી પ્રક્રિયાને અનુસરવા તાકીદ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશ પ્રમાણે, 14 યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાઇ રહે અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં વિલંબ ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે. જેમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓની ભરતી મંજૂર થયાના ઠરાવો તેમજ સરકારની વખતો વખતની નીતિ મુજબ હોય અને નાણાં વિભાગ દ્વારા સંબંધિત જગ્યાના નિર્ધારિત કરાયેલા પગાર ધોરણો નિર્વિવાદિત હોય તો આવી જગ્યાઓ પર નિમણૂક આપવાની રહેશે. નાણાં વિભાગ દ્વારા જે જગ્યાઓ જે પગારધોરણો જે તે વર્ષમાં મંજૂર કરવામાં આવ્યા હોય તે નાણાકીય વર્ષમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો યુનિવર્સિટી દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં વિલંબ કરવાના કારણે જગ્યાઓ સ્થગિત કે રદ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીના રજિસ્ટ્રારની રહેશે તેવી કડક ચીમકી પણ આપવામાં આવી છે. એટલું જ નહીં, યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાની રહેશે અને જો ભરતી કે ભરતી પ્રક્રિયા સબંધિત કોઇપણ અનિયમિતતા કે ગેરરીતિ જણાશે તો આ ગેરરીતિ કરનારા કર્મચારી-અધિકારી અને યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરીને શિસ્ત વિષયકની કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ સૂચનાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી અને યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારની રહેશે તેવી તાકીદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.