નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવારજનો સાથે પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતના મગદલ્લા ખાતે પરિવારજનો સાથે પતંગ ચગાવી હર્ષોલ્લાસ સાથે મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી કરી હતી. તેમણે પીપલોદ ખાતે ગોવર્ધન હવેલી ખાતે ગૌ માતાને ઘાસ ખવડાવી ગૌપૂજન પણ કર્યું હતું. મગદલ્લાના રિવુલેટ રેસિડેન્સીના ધાબા પર શ્રી સંઘવીએ પતંગ ચગાવી પેચ લડાવ્યા હતા. સ્થાનિક રહીશોએ 'કાઈપો ચે..'ના હર્ષનાદ સાથે નાયબ મુખ્યમંત્રી સાથે પતંગોત્સવમાં જોડાયા હતા.
રાજ્યની ભાતીગળ ઓળખ, પતંગોના ઉલ્લાસમય પર્વ મકર સંક્રાંતિ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગુજરાતમાં મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પ્રેમ અને આત્મીયતાનો જીવંત અનુભવ છે. આકાશમાં ઉડી રહેલી રંગબેરંગી પતંગો ગુજરાતની જીવંતતા અને ઉત્સવપ્રેમ દર્શાવે છે. પતંગની ડોર આપણને સંતુલન, શિસ્ત અને ધીરજ શીખવે છે. ઉત્સવ સાથે પારિવારિક ઉજાણીનો ઉલ્લેખ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ઉત્તરાયણ પર્વે ઘર-ઘરમાં બનતા ઉંધીયા, તલના લાડુ, ચીકી અને તેના સ્વાદ, પરંપરા અને ભાતીગળ વારસો આપણને યાદ અપાવે છે કે મકર સંક્રાંતિ માત્ર આનંદનો દિવસ નથી, પરંતુ એકતાનું પ્રતિક પણ છે. જેમ ઉંધીયું વિવિધ શાકના મિશ્રણથી સ્વાદિષ્ટ બને છે, તેમ ગુજરાતની બહુરંગી સંસ્કૃતિ અને ઉત્સવોની વિવિધતાથી એકતા અને સદ્દભાવના તાંતણે ગુજરાત મજબૂત અને ગૌરવશાળી બન્યું છે.

