ધોરાજીમાં ભૂકંપના ઉપરાઉપરી 8 આંચકા, ખાનગી શાળાઓમાં રજા જાહેર

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. ગઈકાલે રાત્રે 8:44 વાગ્યાથી શરૂ થયેલો આ સિલસિલો આજે સવાર સુધી જારી રહ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં કુલ 8 જેટલા આંચકાઓ નોંધાયા છે. ખાસ કરીને વહેલી સવારે 6:19 કલાકે 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, ત્યારબાદ 2.7 થી 3.2 ની તીવ્રતાના સતત આંચકાઓએ લોકોને ઘરની બહાર નીકળવા મજબૂર કરી દીધા હતા. આ અવિરત કંપનને કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભૂકંપના આ આંચકાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ધોરાજીની તમામ ખાનગી શાળાઓમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરી દેવામાં આવી છે. વારંવાર આવતા આંચકાઓને કારણે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી હતી, જેના પગલે શાળા સંચાલકોએ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. સવારે 8:34 કલાકે પણ વધુ એક આંચકો અનુભવાતા લોકો હજુ પણ ભયના ઓથાર હેઠળ છે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

