વસ્તી ગણતરી : એપ્રિલથી મકાનોની યાદી તૈયાર થશે, ફેબ્રુઆરી-27માં જનગણના, 1.40 લાખની ટ્રેનીંગનો ગ્રાફ રજૂ

વિતેલા ૧૦ વર્ષમાં (૨૦૧૧થી ૨૦૨૧ વચ્ચે) ૧૩થી ૧૫ ટકા વૃદ્ધિદરને આધારે ગુજરાતની વસ્તી ૬.૪૦ કરોડથી વધીને સાત કરોડ આસપાસ હોવાનો અંદાજ રજૂ થયો હતો. હવે ખરેખર છ વર્ષ પછી વસ્તી ગણતરી- ૨૦૨૭ શરૂ થશે. જેના માટે ત્રણ મહિના પછી એપ્રિલ- ૨૦૨૬માં સૌથી પહેલા તમામ મકાનોની ગણતરી થશે. બાદમાં ફેબ્રુઆરી- ૨૦૨૭માં વ્યક્તિગત વસ્તી અર્થાત જનગણના થશે તેવું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ વસ્તી ગણતરી-૨૦૨૭ની પૂર્વ તૈયારીની સમિક્ષા માટે ચીફ સેક્રેટરી મનોજ દાસના અધ્યક્ષપદે સ્ટેટ લેવલ સેન્સસ કો ઓર્ડિનેશન કમિટી-SLCCની પહેલી બેઠક મળી હતી. જેમાં ૧.૪૦ લાખ કરતા વધુ ગણતરીકારો (સરકારી અધિકારી- કર્મચારી) માટે તાલીમનો ગ્રાફ રજૂ થયો છે. આ તાલીમ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહથી તબક્કાવાર અપાશે. જે એપ્રિલના બીજા સપ્તાહ સુધી ચાલશે. બાદમાં રાજ્યભરમાં સૌથી પહેલા મકાનોની ગણતરી થશે. પછી આગામી વર્ષ ૨૦૨૭ના ફેબ્રુઆરીમાં વ્યક્તિગત ગણનાનો દોર આરંભાશે. કોવિડના કારણે દર ૧૦ વર્ષે થતી વસ્તી ગણતરી વર્ષ ૨૦૨૦-૨૧માં થઈ શકી નહોતી. પરંતુ, સરકારી આયોજનો માટે ૧૦ વર્ષમાં ૧૩થી ૧૫ ટકાનો વૃદ્ધિદર રજૂ કરીને ગુજરાતની કુલ વસ્તી સાત કરોડ અંદાજવામાં આવી હતી. તાજેતરમાં જ મતદાર યાદી ચોખ્ખી કરવા જે રીતે SIRની પ્રક્રિયા થઈ અને તેમાં ગુજરાતમાં કુલ નોંધાયેલા ૫.૦૪ કરોડ મતદારોમાંથી ૭૩.૭૩ લાખ મતદારોના નામ કમી થાય છે તે રીતે વર્ષ ૨૦૨૧માં અનુમાનિત ૭ કરોડ વસ્તીના અંદાજમાં ઉલેટફેર થાય છે કે કેમ ? તે જોવું રહ્યું.

