વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રૂ. ૫.૭૮ લાખ કરોડના ૫૪૯૨ એમ.ઓ.યુ. સંપન્ન: કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર’નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂપિયા ૫.૭૮ લાખ કરોડના રોકાણના ૫૪૯૨ સમજૂતિ કરાર થયા હોવાની જાહેરાત કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કરી હતી. મારવાડી યુનિ. ખાતે સમાપન સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન આપતા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છને વિકસિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નક્કર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી, ત્યારે તેમને અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમના અડગ વિશ્વાસ અને વિઝનને કારણે આજે ગુજરાત અને ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. મંત્રીશ્રીએ ગૌરવ સાથે ઉમેર્યું હતું કે, વિશ્વભરના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમો જેમને મળવા આતુર હોય છે, તેવા આપણા વડાપ્રધાનની આ રિજનલ કોન્ફરન્સમાં ઉપસ્થિતિ દર્શાવે છે કે તેમના માટે સૌરાષ્ટ્ર અને કચ્છનો વિકાસ કેટલો મહત્વપૂર્ણ છે.
મંત્રીશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાતના ઐતિહાસિક પ્રવાસ અને સફળતાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન માત્ર રૂ. ૬૬ હજાર કરોડના ૮૦ એમ.ઓ.યુ. થયા હતા, તેની સામે આજે રાજકોટના આંગણે યોજાયેલી આ રિજનલ કોન્ફરન્સમાં જ રૂ. ૫.૭૮ લાખ કરોડના ૫૪૯૨ એમ.ઓ.યુ. સંપન્ન થયા છે. આ આંકડાઓ અને અનેક દેશોની સહભાગીતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પરનો અતૂટ ભરોસો દર્શાવે છે. આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેઇક ઇન ઇન્ડિયા જેવા આયામો વડાપ્રધાનના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યા છે, જેનો સીધો લાભ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને એકમોને મળશે.કોન્ફરન્સ દરમિયાન વિવિધ સેક્ટરોમાં થયેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ ઉદ્યોગો માટે માર્ગદર્શક સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ વધુમાં વધુ ઔદ્યોગિક એકમો અને નાગરિકોને આગામી તારીખ ૧૫ જાન્યુઆરી સુધી આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતમાં, તેમણે આશા વ્યક્ત કરી હતી કે જ્યારે ભારત વિશ્વગુરૂના સ્થાને બિરાજશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ તેના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવશે. આ તકે રાજ્યના પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ સૌરાષ્ટ્ર કચ્છની ક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરનાર મોટું પ્લેટફોર્મ બની છે.
વિવિધ ઐતિહાસિક કિસ્સાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોની નસેનસમાં ઉદ્યોગ સાહસિકતા ભરેલી છે. સૌરાષ્ટ્રના નાવિકો એક સમયે દુનિયાના દરિયા પર રાજ કરતા હતા. મંત્રીશ્રીએ સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રની ઔદ્યોગિક વિશેષતાઓનો પરિચય આપતા કહ્યું હતું કે, રાજ્યના દરેક વિસ્તારમાં કોઈને કોઈ કૌશલ્ય ભરેલું છે અને તેમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પોરબંદર, દ્વારકા અને સોમનાથ બેલ્ટ દુનિયાનું સૌથી મોટું પ્રવાસન ક્ષેત્ર બનવા જઈ રહ્યું છે. દેશ અને રાજ્યમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રની પ્રગતિ અંગે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય વર્ષ ૨૦૨૭માં સેમી કન્ડક્ટર ક્ષેત્રનું હબ બનશે. આ તકે તેમણે કચ્છ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ન્યૂ એજ ટેક્નોલોજી ક્ષેત્રમાં રોકાણ કરીને આગળ વધવા આહવાન કર્યું હતું. સમાપન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયા, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી જયંતી રવિ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબહેન રંગાણી, ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, એલ. એન્ડ ટી.ના સી.ઈ.ઓ. શ્રી સિદ્ધાર્થ ગુપ્તા, જ્યોતિ સી.એન.સી.ના ચેરમેન શ્રી પરાક્રમસિંહ જાડેજા, મારવાડી યુનિ.ના કો-ફાઉન્ડર શ્રી જીતુભાઈ ચંદારાણા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી. પી.વૈષ્ણવ, અગ્રણી ઉદ્યોગકારો, વેપાર-ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

