ડ્રાફટ ટીપી સ્કીમ નં.87 (કુંભારીયા) ગોબાચારી: સરકારનો તપાસનો આદેશ!

સુરત મહાનગરપાલિકા વારંવાર કંઇને કંઇ વિવાદમાં સંપડાયેલી જોવા મળે છે. હાલ નાસીરનગર પ્રકરણમાં ઉપર હજી પૂર્ણવિરામ મુકાયુ નથી અને આ નવો વિવાદ ઉભો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી ડ્રાફટ ટી.પી. સ્કીમ નં.87 કુંભારીયામાં થયેલી ગંભીર ક્ષતિઓ અને સુરત મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓની બેદરકારીને લઇને રાજ્ય સરકાર લાલચોળ થઇ છે. મુસદ્દારુપ ટીપી સ્કીમ બનાવવામાં હયાત ડ્રેઇન અને નાળાની વિગતો છુપાવી કારભાર કરી નાંખવાનું જાણવા મળતાં સરકારે અત્યંત ગંભીર રુખ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરી વિકાસ વિભાગના પત્ર અનુસાર, સુરત મહાનગર પાલિકા દ્વારા ડ્રાફટ ટીપી સ્કીમ નં. ૮૭ (કુંભારીયા) અંગે મુખ્ય નગર નિયોજકના અભિપ્રાયને ધ્યાને લઈને રાજ્ય સરકારે તા.૧૩મી ઓગષ્ટના જાહેરનામાંથી આ યોજના સુધારો કરવા માટે પરત કરી હતી. તપાસ કરતાં બહાર આવ્યું કે, નિયમ મુજબ મુખ્ય નગર નિયોજક દ્વારા આપવામાં આવેલા પરામર્શના મુદ્દાઓનું પાલન કરવામાં તંત્રના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ દ્વારા મોટી ગફલત કરવામાં આવી છે. યોજનાની દરખાસ્તના નકશા નંબર ત્રણમાં ડી.આઈ.એલ.આર. દ્વારા પ્રમાણિત ગામ નકશા અને ડેવલપમેન્ટ પ્લાનના વિભાગીય નકશાની ચકાસણી કર્યા વિના જ મુસદારૂપ યોજના તૈયાર કરી દેવાઈ હોવાની હકીક્ત પુરવાર થઈ છે. સ્થળ ઉપર હયાત ડ્રેઇન અને નાળાની વિગતો તેમજ સેટેલાઈટ ઈમેજની ચકાસણી કર્યા વગર જખોટી રીતે યોજના બનાવી દેવામાં આવી હોવાનો સરકાર સમક્ષ ભાંડો ફૂટયા છે. આ કથિત ગોબાચારી કે કૌભાંડ આચરવાની હરકતને રાજ્ય સરકારે આત્યંત ગંભીર ગણાવી છે. આ યોજના બનાવતી વખતે ફરજમાં ભેદરકારી દાખવનારા અને મોટી ભૂલ કરનાર સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓની જવાબદારી નક્કી કરી તાત્કાલિક ખાતાકીય તપાસ સાથે કડક શિક્ષાત્મક પગલાં લેવા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. ગાંધીનગરથી થયેલા આ હુકમને પગલે તંત્રના વહીવટી બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહાનગરપાલિકાના ઈતિહાસમાં આ પ્રકારની ગંભીર ભૂલ બદલ સરકારે સીધા સવાલો ઊભા કરી સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા હોવાનું જાણવા મળે છે.
મ્યુનિ. કમિશ્નરને જ તપાસ સોપાઇ!
રાજ્ય સરકારે સુરત મહાનગર પાલિકાના કમિશનર રાજકુમાર બેનિવાલને લખેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સમયમર્યાદામાં અહેવાલ રજૂ નહીં થવો કે સમયના અભાવે અહેવાલમાં ક્ષતિઓ રહી જવાના કારણે ભવિષ્યમાં જવાબદાર આક્ષેપિતો નિર્દોષ છૂટી નહી જાય, તેની સંપૂર્ણ જવાબદારી આ કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત અધિકારીઓની રહેશે. આ સાથે જ વિભાગીય પત્ર વ્યવહારો સીધા મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી જ કરવાના રહેશે. આ સાથે અગાઉના પરિપત્રની યાદ અપાવતા આગામી સમયમાં આ બાબતે સખત દેખરેખ રાખવા તાકીઠ કરવામાં આવી છે. મનપા તંત્રમાં આ પ્રકારની બેદરકારી સામે રાજ્ય સરકારે કરેલી લાલઆંખથી ટાઉન પ્લાનિંગ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો હોવાનું જાણવા મળે છે.

