ગાંધીનગરમાં કોંગો ફીવરની એન્ટ્રી: પ્રથમ કેસ નોંધાયો

પાટનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ટાઈફોઈડ રોગચાળાના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે ત્યારે હવે ગાંધીનગરમાં કોંગો ફીવરની એન્ટ્રી થતાં આરોગ્ય તંત્ર હવે તેના સર્વેલન્સમાં જોતરાયું છે. ગાંધીનગર તાલુકાના પિંડારડા ગામમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ૨૬ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોંગો ફીવરના એન્ટ્રીથી આરોગ્ય તંત્ર અને પશુપાલન તંત્ર દોડતું થઈ ગયું છે. આરોગ્ય તંત્ર સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગરમાં કોંગો ફીવરનો આ પ્રથમ કેસ હોવાનું મનાય છે.
ગાંધીનગર તાલુકાના પિંડારડા ગામના ૨૬ વર્ષીય યુવક છેલ્લા એકાદ અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોંગો ફીવરના લક્ષણોને જેતા તેના સેમ્પલ લઈને પુના મોકલી અપાયા હતા. જયાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. કોંગો ફીરવની વાઈરલ બીમારી ખાસ પ્રકારના જંતુથી એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય છે. જોકે સંક્રમિત પ્રાણીના લોહી કે અન્ય સ્ત્રાવ સાથે સંપર્કમાં આવેલા મનુષ્યને પણ તેની અસર થાય છે. જેમાં યોગ્ય સમયે સારવાર ના મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે. સંક્રમિત વ્યક્તિને તાવ સાથે માંસ પેશીઓમાં દુઃખાવો, માથાનો દુઃખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે. ઘણા દર્દીઓને સૂર્ય પ્રકારથી પણ તકલીફ પડવા સાથે આંખમાં સોજા આવી જાય છે.
સંક્રમણના રથી ૪ દિવસમાં જ દર્દીને ઊંઘ ન આવવી, પેટમાં દુખાવો, ડિપ્રેશન જેવી ફરિયાદો જોવા મળે છે. મોં, ગળા અને સ્કિન ઉપર ફોલ્લી થવા સાથે હાર્ટરેટ પણ વધી શકે છે. યુવક ૧૦ દિવસ પહેલાં બીમાર પડ્યો હતો. પહેલાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેને સેમ્પલ લઈને પુના તપાસ માટે મોકલી અપાતા તે પોઝિટિવ આવ્યો હતો.
ગામના ૨૩૭ ઘરોમાં સર્વેલન્સની કામગીરી
કોંગો ફીવરને પગલે આરોગ્ય તંત્રની બે ટીમો ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ છે. રોગ અટકાયતી પગલા લેવા માટે દવાનો છંટકાવ કરાયો છે. આરોગ્ય ટીમો દ્વારા આસપાસના ૨૩૭ જેટલા ઘરોમાં ૧૦૩૪ જેટલા લોકોને આવરી લેતો સરવે કરવામાં આવ્યો હતો. જ્યારે યુવકના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો સહિત અંદાજે ૩૧ જેટલા લોકોને ઓબર્ઝવેશનમાં રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં ગામના અન્ય કોઈપણ વ્યક્તિને કોઈ તકલીફ દેખાય તો તાત્કાલિક આરોગ્ય તંત્રનો સંપર્ક કરવા કહેવાયું છે.

