સુરત ફેમિલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : પરસ્પર સંમતિથી થયેલા મુસ્લિમ ડિવોર્સને કાયદેસર માન્યતા

સુરતની ફેમિલી કોર્ટે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ કરવામાં આવેલી ડિવોર્સ ડીડ (છુટાછેડાના લેખ) ને કાયદેસર માન્યતા આપતો મહત્વપુર્ણ ચુકાદો આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરજદાર પતિ અને સામાવાળા પત્નીના વર્ષ-૨૦૦૯માં મુસ્લિમ રીત-રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ સંતાનો થયા હતા. જો કે, સમય જતાં પતિ-પત્ની વચ્ચે ગંભીર મતભેદો ઊભા થતાં વર્ષ-૨૦૨૧થી તેઓ અલગ રહેવા લાગ્યા હતા અને ત્રણેય સંતાનોનો કબજો પિતા પાસે હતો.
તે દરમિયાન અરજદાર પતિએ વર્ષ-૨૦૨૧ માં લગ્ન જીવનનો અંત લાવવાના હેતુથી તેમના એડવોકેટ મો.અમીન એ. મેમણ મારફતે પત્નીને કાયદેસરની નોટિસ પાઠવી મુસ્લિમ કાયદા મુજબ એક તલાક આપી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ફેમિલી કોર્ટમાં વિવિધ કાનુની વિવાદો અને કેસો પણ ઉપસ્થિત થયા હતા. તે કાનુની વિવાદોની વચ્ચે સમાજના આગેવાનો તથા પરિવારજનોના પ્રયાસોથી બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું અને સમાધાનમાં નક્કી થયા મુજબ અરજદાર પતિએ મુસ્લિમ કાયદા અનુસાર એક-એક મહિનાના અંતરે બે સાક્ષીઓની હાજરીમાં વધુ બે તલાક આપી તલાકની પ્રક્રિયા પુર્ણ કરી હતી. ત્યારબાદ વર્ષ-૨૦૨૩માં બંને પક્ષોએ મુસ્લિમ પર્સનલ લૉ માં માન્ય ‘તલાકે મુબારત’ મુજબ પરસ્પર સંમતિથી ડિવોર્સ ડીડ કરી હતી. ડિવોર્સ ડીડમાં બંને પક્ષોએ લગ્ન સંબંધનો કાયમી અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ ત્રણેય સંતાનોનો કબજો પિતાને સોંપવામાં આવ્યો હતો તેમજ બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા તમામ કાનુની વિવાદો અને પ્રકરણોનો પણ સમાધાનથી કાયમી અંત લાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ અરજદારે તેમના એડવોકેટ મો.અમીન એ. મેમણ મારફતે સુરત ફેમિલી કોર્ટમાં ડિવોર્સ ડીડને કાયદેસર જાહેર કરવાની માંગ સાથે દાવો દાખલ કર્યો હતો. તે કેસની સુનાવણી દરમિયાન રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ, ડિવોર્સ ડીડ, મૌખિક પુરાવાઓ તેમજ અરજદાર તરફથી એડવોકેટ મો.અમીન એ. મેમણ દ્વારા કરવામાં આવેલી અસરકારક કાનુની રજુઆતો અને દલીલોને ધ્યાનમાં લઈ ફેમિલી કોર્ટે અરજદારનો દાવો મંજુર રાખ્યો છે અને નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં બંને પક્ષો વચ્ચેનું લગ્નબંધન કાયદેસર રીતે સમાપ્ત થયેલું જાહેર કરી મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ ‘તલાકે મુબારત’ દ્વારા થયેલા પરસ્પર સંમતિના ડિવોર્સને ન્યાયિક માન્યતા આપી હોવાનું જાણવા મળે છે.

