સહઆરોપીના નિવેદનથી કોઇને આરોપી બનાવવા કાનુની રીતે યોગ્ય નથી - ગુજરાત હાઇકોર્ટ

સુરત ક્રાઈમ બ્રાંચમાં પ્રોહિબિશનના ગુના હેઠળ નોંધાયેલી એફ.આઈ.આર.માં એક આરોપી સામે કાર્યવાહી રદ કરવા ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ક્રાઈમ બ્રાંચમાં કુલ ૯ આરોપીઓ વિરૂદ્ધ વિદેશી દારૂની હેરાફેરી મામલે ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસે અંદાજિત કિંમત રૂ. ૩,૬૩,૮૪૦નો વિદેશી દારૂની કુલ બોટલ ૨,૩૨૮નો જથ્થો ઝડપી પાડયો હતો. ઉપરાંત બોલેરો પીકઅપ ટેમ્પો અંદાજિત કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કુલ મળીને રૂ. ૮,૬૩,૮૪૦નો મુદ્દામાલ કબજે થયો હતો. આ કેસમાં આરોપી તરીકે નામ જાહેર થયેલા ઈમરાન અબ્દુલ હમીદ ભરૂચીએ પોતાના વકીલ ઝમીર શેખ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં ક્વેશિંગ પિટિશન દાખલ કરી હતી. અને અરજીમાં તેઓએ પોતાની વિરુદ્ધ નોંધાયેલી એફ.આઈ.આર. રદ કરવાની માંગણી કરી હતી. એડવોકેટ ઝમીર શેખે ગુજરાત હાઈકોર્ટમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપી ઈમરાન ભરૂચીનો પકડાયેલા દારૂના જથ્થા સાથે કોઈ સીધો સંબંધ નથી. તેઓ સ્થળ પરથી ઝડપાયા નથી અને તેમની વિરુદ્ધ માત્ર મુખ્ય આરોપીના નિવેદનના આધારે જ નામ ઉમેરવામાં આવ્યું છે. માત્ર સહ-આરોપીના નિવેદનના આધારે કોઈ વ્યક્તિને આરોપી બનાવ કાનૂની રીતે યોગ્ય નથી, જો સુધી તેને જોડતા અન્ય મજબુત પુરાવા (કનેક્ટિ એવિડન્સ) ઉપલબ્ધ ન હોય. કોર્ટએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું
કે કેસમાં ઈમરાન ભરૂચી સામે કોઈ સ્વતંત્ર અને સ્પષ્ટ પુરાવા ઉપલબ્ધ નથી, જે તેમને ગુનાથી સીધા જોડે. માત્ર મુખ્ય આરોપીના નિવેદનના આધારે કાર્યવાહી આગળ વધારવી યોગ્ય ગલાઈ નથી. આથી, ગુજરાત હાઈકોર્ટે ઈમરાન અબ્દુલ હમીદ ભરૂચી પુરતી એફ.આઈ.આર. રદ કરવાનો હુકમ કર્યો છે. જોકે, અન્ય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી પથાવત રહેશે.

