વડાપ્રધાનના હસ્તે ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ–૨નો પ્રારંભ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ–૨ અંતર્ગત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનેથી મેટ્રો રેલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીનગરના નાગરિકો માટે ગૌરવપૂર્ણ આ ક્ષણ સાથે શહેરના આધુનિક પરિવહન માધ્યમમાં વધારો થયો છે. આ પ્રોજેક્ટ અન્વયે મહાત્મા મંદિર, સેક્ટર-૨૪, સેક્ટર-૧૬, જૂના સચિવાલય, અક્ષરધામ, સચિવાલય અને સેક્ટર-૧૦એ એમ કુલ ૭ મેટ્રો રેલ સ્ટેશનોનું ઉદ્ઘાટન થવાથી ૭.૮ કિમી લંબાઈનો રસ્તો હવે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. દરરોજ અમદાવાદથી ગાંધીનગર અનેક મુસાફરો નોકરી, ધંધા તેમજ અભ્યાસ માટે આવનજાવન કરતાં હોય છે. હવે આ મુસાફરોને મોટેરાથી મહાત્મા મંદિર સુધીના કુલ ૨૮.૨૫ કિમી લંબાઈ ધરાવતા મેટ્રો રૂટ દ્વારા ઝડપી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે. આ સાથે બંને શહેરો વચ્ચેની કનેક્ટિવિટી સુધરશે તથા ટ્રાફિકના ભારણમાં પણ ઘટાડો થશે. આ પ્રોજેક્ટ વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિબળ હેઠળ આત્મનિર્ભર ભારત અને આધુનિક શહેરી પરિવહનના સ્વપ્નને સાકાર કરતા ગુજરાતના વિકાસમાં મહત્ત્વનો માઈલસ્ટોન સાબિત થશે.

