સુરત સહિત જિલ્લાના સબ રજીસ્ટરો અસંતોષના રાહે: ૧3 મુદ્દાની પડતર માગણીઓ ઉકેલવા કલેક્ટરને કરાઈ રજૂઆત

ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કર્મચારી મંડળ - ગાંધીનગરના નેજા હેઠળ સુરત શહેર તેમજ જિલ્લાની તમામ ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓના સબ રજીસ્ટ્રારો અને કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો જેવાકો ટાઇટલને લગતા પરિપત્રો, ઓડિટ ફકરા અન્યે કર્મચારીઓને આપવામાં આવતી નોટીસ-ચાર્જશીટ, ખાસ લગ્ન અધિનિયમની સત્તાઓ, બિન જરુરી રજીસ્ટરો રદ કરવા અને ગરવી ૨.૦ પોર્ટલથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ મુદ્દે આંદોલનનો આરંભ કરવામાં આવ્યો છે. સોમવારે સાંજે સાડા પાંચ કલાકે કર્મચારી મંડળના પ્રતિનિધિઓ તથા સબ રજીસ્ટ્રારોએ સુરત કલેક્ટર અને અધિક નોંધણી સર નિરીક્ષકને રૂબરૂ મળીને પોતાની વિવિધ ૯ મુદાસરની માંગણીઓનું આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હેઠળ નોંધણી સર નિરીક્ષકની કચેરી હસ્તકની સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી સ્વરૂપે રાજ્ય સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની મહેસૂલી આવક એકત્ર કરવામાં આવે છે. તેમ છતાં, આ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના પડતર સેવા વિષયક તેમજ વહીવટી પ્રશ્નોનું લાંબા સમયથી નિરાકરણ ન આવતાં રજીસ્ટ્રેશન વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સુરત શહેર જિલ્લાની તમામ ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓના સબ રજીસ્ટ્રારો તથા કર્મચારીઓ દ્વારા સુરત કલેક્ટર અને અધિક નોંધણી સર નિરીક્ષકને રૂબરૂ મળીને પોતાની ૧૩ પડતર માગણીઓ અંગેનું વિગતવાર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.
વર્ષોથી પડતર પ્રશ્નો અને સંવાદહીનતા સામે આક્રોશ
કર્મચારી મંડળના આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મહેસૂલ વિભાગ અને વડી કચેરી (નોંધણી સર નિરીક્ષકની કચેરી) ખાતે કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ તારીખ ૧૦/૦૫/૨૦૨૬ સુધીમાં ઉકેલ લાવવાની ચીમકી સાથે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રી, રાજ્ય કક્ષાના મહેસૂલ મંત્રી તેમજ વડી કચેરીના અધિકારીઓ સમક્ષ વારંવાર લિખિત રજૂઆતો કરવા છતાં ન્યાયિક માંગણીઓ અંગે કોઈ નકર આયોજન કે સાનુકૂળ ઉકેલ લાવવામાં આવ્યો નથી. આટલું જ નહીં, મંડળ દ્વારા પડતર પ્રશ્નોની રૂબરૂ ચર્ચા માટે સમય માંગવામાં આવ્યો હોવા છતાં વડી કચેરી કે મહેસૂલ વિભાગ દ્વારા મુલાકાતનો સમય પણ ફાળવવામાં આવ્યો નથી. કર્મચારી મંડળે દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા રોજના કલાકોના હિસાબે અવિરત કામગીરી કરીને દર વર્ષે નોંધણી પ્રક્રિયાનો ટાર્ગેટ સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. આમ છતાં, વડી કચેરી કે મહેસૂલ વિભાગ દ્વારા કર્મચારીઓ પ્રત્યે ઉપેક્ષાભર્યું વલણ દાખવવામાં આવી રહ્યું છે, જેના કારણે કર્મચારીઓ આંદોલનાત્મક કાર્યક્રમો આપવા મજબૂર બન્યાં હોવાનું દેખાઇ આવે છે.
આવેદનપત્રમાં કરાયેલી ૧૩ મુખ્ય માગણીઓ
કર્મચારી મંડળ દ્વારા સુરત કલેક્ટર સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રમાં નીચે મુજબની ૧૩ સચોટ અને ગંભીર માગણીઓ રજૂ કરવામાં આવી છે.
- ઓડિટ નોટિસ અને ચાર્જશીટ રદ કરવી:ઓડિટ ફકરા અન્વયે કર્મચારીઓને આપવામાં આવતી નોટિસો અને ચાર્જશીટ આપવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવી.
- ટાઈટલ સંબંધિત પરિપત્રો રદ કરવા:દસ્તાવેજના ટાઈટલને લગતા અસ્પષ્ટ અને બિનવ્યવહારિક પરિપત્રો રદ કરવા.
- ગરવી ૨.૦ પોર્ટલમાં સુધારા:દસ્તાવેજ નોંધણી માટે વપરાતા ગરવી ૨.૦ પોર્ટલમાં રહેલી ક્ષતિઓ અને સર્વરની મુશ્કેલીઓ સત્વરે સુધારવી.
- ખાસ લગ્ન અધિનિયમની સત્તાઓ સોંપવી:ખાસ લગ્ન અધિનિયમ હેઠળની કામગીરી અને સત્તાઓ અન્ય વિભાગને સોંપવી.
- F.I.R. અંગે સ્પષ્ટ સૂચનાઓ:સબ રજીસ્ટ્રાર દ્વારા ફરજના ભાગરૂપે કરેલી કામગીરી અન્વયે મહેસૂલ વિભાગના ઠરાવ મુજબની પ્રક્રિયા કર્યા વિના સીધી નોંધવામાં આવતી F.I.R. બંધ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવી.
- કેડર મર્જ કરવી:સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૧ (વર્ગ-૩) તથા સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૨ (વર્ગ-૩) ની કેડર મર્જ કરવી.
- વિનંતી બદલીની અરજીઓનો ઉકેલ:કર્મચારીઓની વિનંતી બદલીની અરજીઓ પર ત્વરિત અને યોગ્ય નિર્ણય લઈને ન્યાય આપવો.
- બિનજરૂરી રજિસ્ટરો રદ કરવા:કચેરીઓમાં નિભાવવામાં આવતાં બિનજરૂરી રજિસ્ટરો રદ કરવા.
- આધારકાર્ડ અંગેનો પરિપત્ર રદ કરવો:આધારકાર્ડ સંબંધિત પરિપત્ર તાત્કાલિક રદ કરવો.
- દસ્તાવેજ નોંધણીની એપોઈન્ટમેન્ટમાં ઘટાડો:દસ્તાવેજ નોંધણી માટે આપવામાં આવતી દૈનિક એપોઈન્ટમેન્ટ (ટોકન સ્લોટ) ની સંખ્યામાં ઘટાડો કરવો.
- મકાન ભાડા ભથ્થાની ચુકવણી:નનામી અરજીઓ અન્વયે કાર્યવાહી તથા અગાઉ રજૂ કરેલી અરજીઓ બાબતે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અને પરિપત્રો મુજબ અમલ કરવો.
- SFT રિટર્ન બિલ મંજૂર કરવા:SFT રિટર્નની કામગીરીના બિલ સત્વરે મંજૂર કરવા.
- કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવું:કાયદાકીય ગૂંચવણ/અર્થઘટનના પ્રશ્નોમાં વડી કચેરી દ્વારા નરોવા કુંજરોવાને બદલે સ્પષ્ટ કાયદાકીય માર્ગદર્શન આપવું.
ઉગ્ર આંદોલનની ચેતવણી અને જનતાને પડનારી અસર
કર્મચારી મંડળે સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કર્યો છે કે, વડી કચેરીની કક્ષાએથી સામાન્ય પ્રશ્નોનો ઉકેલ એક-બે દિવસમાં આવી શકે તેમ હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી રજૂઆતો અટકેલી છે. જો આ તમામ ૧૩ પડતર માગણીઓનો તાત્કાલિક અસરથી સકારાત્મક અને સમયબદ્ધ ઉકેલ લાવવામાં નહીં આવે, તો મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ રાજ્યવ્યાપી આંદોલનાત્મક પગલાં લેવામાં આવશે.
જો કર્મચારીઓ હડતાળ કે કામકાજથી અળગા રહેવાના આંદોલન પર ઉતરશે તો સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણ, ગીરો, વીલ અને લોન આધારિત કરોડો રૂપિયાના દસ્તાવેજોની નોંધણી અટકી જશે, જેનાથી સામાન્ય નાગરિકો સાથે સરકારની મહેસૂલી આવક પર પણ મોટી વિપરીત અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.


