Voice of Surat

સુરત ખાતે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજ સિંહની ઉપસ્થિતિમાં ‘મંત્રા’ના ૪૯માં સ્થાપના દિવસની ઉજવણી

Posted On: |7 min read
વિશ્વકક્ષાનો PM મિત્રા પાર્ક, મિની સચિવાલય સમું મનપાનું નવું ભવન અને ૫૦ વર્ષનું આયોજનબદ્ધ જળ વ્યવસ્થાપન સુરતને નવી ઊંચાઈએ લઈ જશે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ

સુરતની ટેકસટાઈલ અગ્રણી સંસ્થા 'મંત્રા' - મેન મેડ ટેકસટાઈલ રિસર્ચ એસોસિએશનના ૪૯માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રીશ્રી ગિરિરાજ સિંહ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રીશ્રી ગિરિરાજ સિંહે મેનમેડ ફાઈબર, રિસર્ચ અને સસ્ટેનેબિલિટી પર ભાર મૂકતા જણાવ્યું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં આગળ વધવા માટે સંશોધન અને સાહસ અનિવાર્ય છે. 'મંત્રા' જેવી સંસ્થાઓએ કપાસના બીજ, સાબુદાણા જેવા પ્રાકૃતિક સ્ત્રોતોમાંથી પોલિમર અને ફાઈબર બનાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. વૈશ્વિક સ્તરે ૧૦ કરોડ ટન વપરાયેલા કાપડમાંથી માત્ર ૩૦ ટકા રિસાઈકલ થાય છે અને ૭૦ ટકા વેસ્ટમાં જાય છે, જ્યારે ભારતમાં આ સ્થિતિ ઉલટી છે. આપણે ૭૦ ટકા કાપડ રિસાઈકલ કરીએ છીએ. સુરત જેવા ઔદ્યોગિક કેન્દ્રમાં કેમિકલ પ્રોસેસિંગ દ્વારા કાપડના ઔદ્યોગિક કચરાને ઓગાળીને ફરી રિસાઈકલ કરવાની આધુનિક ટેકનોલોજી અને યુનિટ સ્થાપવાની મોટી શક્યતાઓ હોવાનું જણાવી મંત્રીશ્રીએ સુરતના કાપડ ઉદ્યોગની વિપુલ ક્ષમતાની સરાહના કરી હતી. મંત્રીશ્રીએ કહ્યું કે સુરત પાસે દરિયાઈ માર્ગ, રોડ અને રેલવે જેવી ઉત્તમ કનેક્ટિવિટી છે. હાલમાં ઉત્તર ભારત, યુપી, બિહાર, બંગાળ અને અસમ સુધી સુરતનું કાપડ ધૂમ મચાવે છે. પરંતુ સુરતે માત્ર સ્થાનિક બજારથી સંતોષ માનવાને બદલે વિશ્વ સ્તરની ગુણવત્તા ઉપરાંત વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવું પડશે. સ્પેસ- એરોસ્પેસ માટે જરૂરી ૮૦૦ અને ૯૦૦ ગ્રેડના કાર્બન ફાઈબર, એરામિડ ફાઈબર અને ફાયરપ્રૂફ કાપડ જેવા ટેકનિકલ ટેક્સટાઈલ એ ભવિષ્યનો બહુ મોટો ગ્રોથ એરિયા છે. એમ જણાવી ૨૦૨૭ સુધીમાં ભારત સ્થાનિક સ્તરે પણ ગુણવત્તાયુક્ત કાર્બન ફાઈબર ઉપલબ્ધ કરાવશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નવસારીના વાંસીબોરસીમાં ૨૧૦૦ એકરમાં સાકાર થઇ રહેલો PM મિત્ર પાર્ક કાપડ ઉદ્યોગની દશા અને દિશા બદલી નાખશે. સુરતની સૌથી મોટી તાકાત તેનું 'પ્રો-ઇન્ડસ્ટ્રી' વાતાવરણ અને અજોડ સામાજિક સમરસતા, સૌહાર્દ છે, જ્યાં મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર કે યુપીના લોકો કોઈપણ ભેદભાવ વગર એકસાથે કામ કરે છે. તેમણે નવી પેઢી અને સંશોધકોનો ઉત્સાહ વધારતા તેમણે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારો અને યુવાનો વિગન લેધર અને ટેક્સટાઈલ સંશોધનમાં ઝંપલાવીને અમેરિકા જેવા દેશો સાથે સ્પર્ધા કરી રહ્યા છે એમ જણાવ્યુ હતું. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, નવીનતમ સંશોધન લેબમાંથી ઇન્ડસ્ટ્રી સુધી પહોંચવું જોઈએ. હવે પછી સંશોધન માત્ર લેબ પૂરતું સીમિત ન રહેતાં, 'લેબ-ટુ-ઇન્ડસ્ટ્રી'નું આ સફળ કન્વર્ઝન જરૂરી છે. આજે બાયોડિગ્રેડેબલ ફાઇબર, કેસ્ટર ઓઇલમાંથી પોલિએસ્ટર જેવી મજબૂતી મેળવવી કે પોલિમર સંબંધિત નવતર પ્રયોગો લેબના સ્તરે સફળ થઈ રહ્યા છે, પરંતુ આપણી ખરી ફરજ આ ટેકનોલોજીનું રિવર્સ એન્જિનિયરિંગ કરીને મશીન ઉત્પાદકો અને ઉદ્યોગો સુધી પહોંચાડવાની છે. MANTRA, ATIRA, BITRA, CITRA અને Wool Research જેવા દેશના તમામ રિસર્ચ સેન્ટરો તેમજ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ એકજૂથ થઈને સંશોધન સાથે જોડાવુ પડશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, દેશનું ‘માન્ચેસ્ટર’ ગણાતું સુરત આજે મોંઘામાં મોંઘી સાડીઓથી લઈને સસ્તામાં સસ્તા કાપડનું ઉત્પાદન કરીને દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂક્યું છે. ટેક્સટાઇલ ક્ષેત્રે 'મંત્રા' જેવી સંસ્થાઓનું રિસર્ચ અને ક્વોલિટી ડેવલપમેન્ટમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. સ્વ.અરૂણભાઈ જરીવાલા જેવા અનેક નામી-અનામી મહારથીઓએ પોતાનું જીવન ઘસીને સુરતના કાપડ ઉદ્યોગને આગળ ધપાવ્યો છે. નાના પાયે ૧-૨ લૂમ્સથી લઈને હજારો લૂમ્સ ચલાવતા ઉદ્યોગકારો સુરતની ખરી તાકાત અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે. વધુમાં જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ વેગ આપવા અને પ્રદૂષણમુક્ત વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે વિશ્વકક્ષાનો 'PM મિત્રા પાર્ક' બનશે. આ ઉપરાંત, આવનારા ૫૦ વર્ષ સુધી સુરતની વધતી વસતી અને વોટર બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજનબદ્ધ જળ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે, જે સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા અને રાજ્ય=કેન્દ્ર સરકારના વિભાગોને સાંકળતું ૨૯ માળના બે બિલ્ડિંગ એટલે કે ‘મિની સચિવાલય’ તૈયાર થઈ રહ્યા છે. પ્લેગ, પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો સામે પણ ક્યારેય હિંમત ન હારનાર સુરતીઓનો મિજાજ હંમેશાં ખુમારી અને 'આપવાનો' રહ્યો છે અને આ જ દીર્ઘદ્રષ્ટિ સાથે સુરત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. મંત્રાના પ્રમુખ રજનીકાંત બચકાંનીવાલા એ જણાવ્યું હતું કે, સુરત કાપડ ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર હોવા છતાં ૧૯૭૭ સુધી ટેસ્ટિંગ માટે બોમ્બે સ્થિત 'સસ્મિરા' પર આધાર રાખવો પડતો હતો. ૧૯૭૭માં સેટેલાઇટ યુનિટ અને ૧૯૮૧માં સ્વતંત્ર પ્રયોગશાળા તરીકે MANTRA (મેન-મેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન) અસ્તિત્વમાં આવ્યું. શરૂઆતમાં માત્ર ટેસ્ટિંગ અને કન્સલ્ટન્સી આપતી આ સંસ્થા છેલ્લા ૧૫ વર્ષોથી ઉદ્યોગોને મૂલ્યવર્ધિત પ્રોડક્ટ ડિઝાઇનિંગ, પ્રોસેસિંગ અને ટેકનોલોજિકલ વિકાસમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે. યાર્ન, ફેબ્રિક, વીવિંગ અને પર્યાવરણ જેવા તમામ માપદંડો માટે સંપૂર્ણ લેબોરેટરીઓ ધરાવતું મંત્રા હાલમાં ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને ડિફેન્સ (સંરક્ષણ) ક્ષેત્રે પણ અંગેસર છે. છેલ્લા ૪ વર્ષોમાં પ્રોડક્ટ્સ અને પ્રોસેસિંગ ક્ષેત્રે અસંખ્ય પેટન્ટ્સ મેળવીને મંત્રા સુરતના કાપડ ઉદ્યોગની સાચી કરોડરજ્જુ બની રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન MANTRAના પદાધિકારીઓ દ્વારા સંસ્થાની ૫૦ વર્ષની સિદ્ધિઓ, કાપડ ઉદ્યોગને પૂરી પાડવામાં આવતી લેબોરેટરી ટેસ્ટિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તેમજ ઉદ્યોગકારોને અપાતા ટેકનિકલ માર્ગદર્શન અંગેની સેન્ડ આર્ટ કૃતિ રજૂ કરાઈ હતી. આ સાથે કાપડ ઉદ્યોગના ઉત્કર્ષ, સંશોધન, નવીન ટેકનોલોજી અને ભવિષ્યની તકો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, રાજ્યના ટેકસટાઈલ કમિશનર વૃંદા દેસાઈ, પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, ડિરેક્ટર ડો.પંકજ ગાંધી, મંત્રાના ઉપપ્રમુખ દિનેશ ઝવેરી, સેક્રેટરી પ્રફુલ ગાંધી સહિત કાપડ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો, 'મંત્રા'ના ટ્રસ્ટીઓ, ટેકનિકલ નિષ્ણાતો અને વિવિધ એસો.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત ખાતે સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ માટે MANTRA અને CEE વચ્ચે ઐતિહાસિક MoU

સુરતના ટેક્સટાઇલ અને ઔદ્યોગિક ક્ષેત્રને પર્યાવરણને અનુકૂળ અને સસ્ટેનેબલ બનાવવાની દિશામાં આગળ ધપાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સુરત ખાતે સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા અને પર્યાવરણીય જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે 'મંત્રા' (Man-Made Textiles Research Association - MANTRA) અને 'સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન' (CEE) વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આ સંયુક્ત પહેલનો મુખ્ય હેતુ ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયામાં ગ્રીન ટેકનોલોજી, ઊર્જા સંરક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ અને ઇકોફ્રેન્ડલી પદ્ધતિઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક સસ્ટેનેબિલિટીના ધોરણો સાથે કદમ મિલાવી શકે. આ પ્રસંગે MANTRA ના ડો. પંકજ ગાંધી અને CEE (સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન)ના શ્રી તુષારભાઈ જાની વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. બંને સંસ્થાઓના પ્રતિનિધિઓએ સુરતને ગ્રીન મેન્યુફેક્ચરિંગનું મોડેલ હબ બનાવવા માટે સાથે મળીને ટેકનિકલ માર્ગદર્શન, રિસર્ચ અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.