ગુજરાત હાઇકોર્ટની નવી પહેલ : વકીલોને રોજરોજના કેસોની યાદી વોટ્સઅપ ઉપર જ મોકલી દેવાશે!

ગુજરાત હાઈકોર્ટે વ્યવસ્થાને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે વધુ એક નવતર પહેલાના ભાગરૂપે વકીલો માટે વોટ્સએપ મેસેજિંગ સેવા શરૂ કરી છે. કાર્યકારી મુખ્ય ન્યાયમૂત જસ્ટિસ માનસ રંજન પાઠકના નિર્દેશ અને હાઈકોર્ટની કમ્પ્યુટર એન્ડ ટેકનોલોજી,ડિજિટાઈઝેશન, ઈ-ફાઈલિંગ અને પેપરલેસ કોર્ટ કમિટીના માર્ગદર્શન હેઠળ આ સેવા આજથી તા.૭ ઓક્ટોબર, ૨૦૨૬થી પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. જેન પગલે હવે વકીલોને તેમનું રોજેરોજનું કોઝ લીસ્ટ (કેસોની યાદી) વોટ્સ અપ પર જ મળી રહેશે. જેના કારણે પક્ષકારોને પણ ફાયદો થશે. હાલના તબક્કે આ સેવા ખાસ કરીને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ્સને સ્પેસિફિક દૈનિક કોઝ-લિસ્ટ પહોંચાડવા માટે શરૂ કરાઈ છે. અગાઉ વકીલોને કોઝ-લિસ્ટ વેબસાઈટ પર અપલોડ થયાની માત્ર મેસેજ દ્વારા જાણ કરવામાં આવતી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ પર જઈને સંબંધિત કોઝ-લિસ્ટ શોધવી પડતી હતી. પરંતુ હવે નવી વ્યવસ્થામાં આ પ્રક્રિયા વધુ સરળ બની જશે. હવે સંબંધિત વકીલની દૈનિક કોઝ-લિસ્ટ પીડીએફ સ્વરૂપે આપમેળે તૈયાર થઈ તેમના રજિસ્ટર્ડ વોટ્સએપ નંબર પર દરરોજ સાંજે સીધી મોકલવામાં આવશે.આથી વકીલોને વેબસાઇટ પર જઇને કોઝ લિસ્ટ શોધવાની જરુર પડશે નહીં. નવી વોટ્સએપ સેવા મોબાઇલની મદદથી તાત્કાલીક પુરી પાડવામાં આવશે. વકીલો માત્ર એક ક્લિકથી તેમના કેસ કયા દિવસે અને કયા ક્રમમાં લિસ્ટ થયા છે તેની માહિતી પોતાના મોબાઇલના માધ્યમથી જોઇ શકશે. આથી વેબ બ્રાઉઝર પર પ્રક્રિયા કરવામાં લાગતો સમય તથા જરુરી ફાઇલ શોધવાની મુશ્કેલીમાં ઘટાડો નોંધાશે. તો પક્ષકારોને પણ તેમનો કેસ કયા નંબર પર છે અને સુનાવણીની શક્યતા છે કે કેમ તે સહિતની બાબતની જાણકારીમાં પણ ફાયદો થશે.વધુ હાઇટેક સેવાઓ શરુ કરવા પ્રયત્નો .દૈનિક કોઝ-લિસ્ટની આ પાયલોટ સેવાના મૂલ્યાંકન બાદ વોટ્સએપ મેસેજિંગ સેવાનો વધુ વિસ્તરણ કરવાનો હાઈકોર્ટનો પ્રસ્તાવ છે. આગામી તબક્કામાં કોર્ટના હુકમો અને ચુકાદાની પ્રમાણિત નકલો, કેસ સ્ટેટસ રિપોર્ટ, ફી રસીદો તેમજ અન્ય ઈ-સેવાઓ પણ વકીલો અને પક્ષકારોને સીધી પહોંચાડવાની દિશામાં સેવા વિસ્તારવાની ગંભીર વિચારણા ચાલી રહી છે. જો તે અમલમાં મૂકાશે તો નાગરિકો અને પક્ષકારોને બહુ મોટી રાહત થઇ જશે.

