Voice of Surat

સરકારે પ્રશ્નો ઉકેલવાની બાંહેધરી આપતા મહેસૂલી કર્મચારીઓની હડતlલનો આખરે અંત

Posted On: |3 min read
વાજબી માગણીઓ પ્રત્યે ગુજરાત સરકારનું હકારાત્મક વલણઃ મંત્રી જિતુ વાઘાણી

રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન રાજ્ય સરકાર સાથે યોજાયેલી મંત્રણામાં અપાયેલી હકારાત્મક ખાતરી બાદ પાછુ ખેંચી લેવાતા ત્રણ દિવસથી ચાલતી હડતાલનો અંત આવ્યો છે. મંત્રી જીતુ વાઘાણીએ સરકારે તમામ વ્યાજબી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી તેના ઝડપી નિરાકરણ માટે મહામંડળને ખાતરી આપી છે. તો મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સરકારે બાંહેધરી આપતા અમે આંદોલન મોકૂફ રાખીએ છીએ.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીઓમાં ત્રીજા વર્ગના મહેસૂલી કર્મચારીઓના મહામંડળ દ્વારા 14 પડતર મુદ્દાઓ ઉકેલવાની માગણી સાથે 7મીથી હડતાલ શરૂ કરાઇ હતી. જેના કારણે વિવિધ દાખલા અને પ્રમાણપત્રો નાગરિકોને આપવા સહિતની કામગીરી ખોરવાઇ જવા પામી હતી. છેલ્લા બે દિવસથી મહામંડળના હોદ્દેદારો સાથે કલાકો સુધીની બેઠક બાદ છેવટે આંદોલનનું નિરાકરણ આવ્યું છે. ગાંધીનગર ખાતે મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગ પરમાર સહિતના હોદ્દેદારો સાથે બેઠક બાદ મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે ઉદાર અભિગમ દાખવ્યો છે. સરકારે તમામ વ્યાજબી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી તેના ઝડપી નિરાકરણ માટે મહામંડળને ખાતરી આપી છે. મહેસૂલ રાજ્ય મંત્રી મહીડાએ જણાવ્યું હતું કે કર્મચારીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો કરી છે. કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગ પરમારે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે બેઠકમાં અમારી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવાઇ છે. તે સાથે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે બાંહેધરી અપાતા આંદોલન મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.

14 મુદ્દે સરકારની બાંહેધરી

- નાયબ મામલતદારોને જગ્યા પ્રમાણે બઢતીની કાર્યવાહી, ડીમ્ડ ડેટ નીતિ વિષયક બાબત

- મહેસૂલી તલાટીના જોબચાર્ટ અંગે અન્ય વિભાગો સાથે પરામર્શ કરી સર્વસંમતિ છે તેની સ્પષ્ટતા કરાશે

- કલેક્ટરોને પ્રવરતા યાદી પ્રસિધ્ધ કરવા જણાવાયું છે

- 2012ની બેચના ના. મામલતદારો, ક્લાર્ક અને મહેસૂલી તલાટીઓની પ્રવરતા યાદી બહાર પાડવા કલેક્ટરોને જણાવાશે

- જનસેવા કેન્દ્ર માટે તાત્કાલિક આઉટસોર્સથી મેનપાવર મેળવી આગામી બજેટમાં નવું મહેકમ ઉભું કરવા દરખાસ્ત

- 15 દિવસમાં વિવિધ કાર્યભારણ ઘટાડવા કામગીરી અને સોફ્ટવેરમાં સુધારા

- ના. મામલતદાર અને મામલતદાર સંવર્ગમાં સમયાંતરે બઢતી હોવાથી સીધી ભરતી બંધ કરવાનો પ્રશ્ન નથી

- મહેસૂલી તલાટીના જોબચાર્ટમાં સુધારા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પંચાયત વિભાગ દ્વારા મહેસૂલી તલાટીની બેઠક વ્યવસ્થા કરવા સૂચના અપાશે

- ફીડબેક બદલીમાં રજૂઆતની તક અપાશે

- જિલ્લા ફેરબદલી માટે ઓનલાઇન રીયલ ટાઇમ સોફ્ટવેર-પોર્ટલ શરૂ કરાતા એનઓસીની પ્રથા દૂર કરાશે

- પરીક્ષાઓ નિયમિત રીતે યોજવા આયોજન કરાશે

- પંચાયત તલાટી સમકક્ષ મહેસૂલી તલાટીઓને ખાસ ભથ્થા માટે વિચારણા

- મહેસૂલી તલાટી અને ક્લાર્કની બઢતીનો મુદ્દો નીતિ વિષયક હોઇ બેઠક કરી નિર્ણય

- શક્ય તેટલી જિલ્લા ફેર બદલી અપાશે