Voice of Surat

સુરત લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓએ રક્તદાન કેમ્પ યોજી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો

Posted On: |3 min read
Voice of Surat News

ગુજરાતભરમાં અને વિશેષરૂપે સુરત શહેરમાં લેન્ડ રેકર્ડ (જમીન દફતર) વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને સરકારની અણઘડ નીતિઓ સામે અનોખી અને અહિંસક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ આંદોલનના ભાગરૂપે આજે સુરત શહેરના નાનપુરા ખાતે આવેલ જુની બહુમાળી િબલ્ડિંગ-એ ના સાતમા માળે કર્મચારીઓએ વિશાળ સ્તરેબ્લડ કેમ્પ (રક્તદાન શિબિર)યોજીને સરકાર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત - તાપી જિલ્લાના પ્રમુખઇસરાણી રુચીતદાન ઘનશ્યામદાનના જણાવ્યા મુજબ રાજ્યમાં જમીન દફતર (લેન્ડ રેકર્ડ) કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારીઓ લાંબા સમયથી વિવિધ પ્રશ્નોથી ઘેરાયેલા છે. કર્મચારીઓનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય સરકાર દ્વારા તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

સુરતમાં યોજાયો રક્તદાન કેમ્પ: અનોખો વિરોધ

સુરતના લેન્ડ રેકર્ડ વર્ગ-૩ના કર્મચારીઓએ સમાજ ઉપયોગી કાર્ય કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં યોજાયેલા આ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વઘુમાં જણાવ્યા મુજબ"અમે સરકારને એવો સંદેશ આપવા માગીએ છીએ કે અમારો વિરોધ જનવિરોધી કે વિકાસ વિરોધી નથી. અમે જનતાની સેવા કરવા માટે કટિબદ્ધ છીએ, પરંતુ જ્યારે અમારા હકો છીનવાતા હોય ત્યારે અમારે મજબૂરીમાં અહિંસક માર્ગે અવાજ ઉઠાવવો પડે છે. રક્તદાન એ જીવનદાન છે, અને અમારું લોહી પણ જનતા અને રાષ્ટ્રના કામમાં આવે છે, પરંતુ સરકાર અમારી યોગ્ય માંગણીઓ સ્વીકારે તે અનિવાર્ય છે."

વહીવટી તંત્ર અને નાગરિકો પર અસર

લેન્ડ રેકર્ડ વિભાગ એ જમીન માપણી, નકશા, હક્ક પત્રક અને રજીસ્ટ્રેશન જેવા અત્યંત મહત્વપૂર્ણ કાર્યો સાથે સંકળાયેલો છે. આ વિભાગના કર્મચારીઓ વિરોધ પ્રદર્શનના માર્ગે હોય ત્યારે જમીન ખરીદ-વેચાણ, વારસાઈ નોંધ, અને માપણી જેવા રોજીંદા કાર્યો અટવાઈ પડવાની સંભાવના રહે છે. સામાન્ય નાગરિકોને પોતાના કામ માટે ધક્કા ખાવા પડી રહ્યા હોવાનું દેખાઇ આવે છે.

આગામી રણનીતિ

સુરત - તાપી જિલ્લાના પ્રમુખઇસરાણી રુચીતદાન ઘનશ્યામદાનના જણાવ્યા મુજબ આજની રક્તદાન શિબિર સફળ થયા બાદ કર્મચારી મંગળવાર અને આગામી દિવસોમાં વધુ એકત્ર થઈને આગામી રણનીતિ નક્કી કરશે. જો સરકાર દ્વારા ટૂંક સમયમાં કોઈ સત્તાવાર બેઠક બોલાવીને ઉકેલ લાવવામાં નહીં આવે, તો આ આંદોલન રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરી શકે છે. સુરતમાં લેન્ડ રેકર્ડ વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા યોજાયેલા આ બ્લડ કેમ્પે સરકારનું ધ્યાન દોરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, અને હવે દડો સરકારના કોર્ટમાં છે કે તે આ કર્મચારીઓની ન્યાયી માંગણીઓ અંગે શું નિર્ણય લે છે.