કેબિનેટ નિર્ણય - રેલવેના 11.40 લાખ કર્મચારીઓ માટે દિવાળી બોનસ અને ભરતી સહિતના ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો મંજૂર

દિવાળીના તહેવારો પૂર્વે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા દેશભરના રેલવે કર્મચારીઓ માટે એક મોટી અને ખુશીના સમાચાર સમાન જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે દિવાળી બોનસ અને કલ્યાણકારી યોજનાઓ સહિતના ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર કર્મચારીઓની અથાક મહેનત અને સમર્પણની ભાવનાને હંમેશાં માન આપે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયો અંતર્ગત ૧૧.૪૦ લાખથી વધુ રેલવે કર્મચારીઓને ૭૮ દિવસના પ્રોફોર્મન્સ-સંબંધિત બોનસનો લાભ આપવામાં આવશે. આ બોનસ માટે સરકારે અંદાજે ૨,૦૦૯ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જ્યારે સામાન્ય નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરતા હોય છે, ત્યારે રેલવે કર્મચારીઓ ટ્રેક પર, લોકોમોટિવ્સની અંદર અને વર્કશોપોમાં ચોવીસ કલાક અથાક પરિશ્રમ કરતા હોય છે. આ બોનસ તેમની દિવસ-રાતની મહેનત માટે દિવાળીની એક ઉત્તમ ભેટ સમાન છે. આ ઉપરાંત કેબિનેટે સામાજિક સુરક્ષા જાળને ૨૦૩૧ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે ૫૩,૪૨૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સાથે જ દિવ્યાંગ કર્મચારીઓ અને નાગરિકો માટે અપંગતા પેન્શનની પાત્રતા મર્યાદા ૮૦ ટકાથી ઘટાડીને ૪૦ ટકા કરી દેવામાં આવી છે, જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને તેનો સીધો લાભ મળી શકે. આ તમામ નિર્ણયોથી લાખો પરિવારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.

