Voice of Surat

મહેસૂલી કર્મચારીઓનો આક્રોશ: સુરત શહેર - જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા 53 જેટલા સબ રજિસ્ટ્રાર-ક્લાર્કે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

Posted On: |4 min read
Voice of Surat News

અનસારી તાહીર

સુરત શહેર અને જિલ્લાના મહેસૂલ વિભાગ તેમજ નોંધણી સર નિરીક્ષકની કચેરી (વડી કચેરી) ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના લાંબા સમયથી અણઉકેલાયેલા પડતર પ્રશ્નો અને પ્રશાસનની ઉદાસીનતા સામે કર્મચારી મંડળે વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે. અગાઉ ચીમકી આપ્યા મુજબ, સરકારી સ્તરે યોગ્ય નિરાકરણ ન આવતા આજરોજ સુરત શહેર-જિલ્લાની 18 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા તમામ ૫૩ સબ-રજિસ્ટ્રાર તેમજ કચેરીના ક્લાર્ક વર્ગે પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધી ગાંધીનગર ખાતે આવેલી કચેરી તેમજ સુરત શહેરના તમામ ગ્રૃપમાંથી નિકળી વિરોધ દર્શાવ્યો હતો. કર્મચારીઓના આ મૌન પરંતુ આક્રમક વિરોધના કારણે સમગ્ર મહેસૂલી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હોવાનું જાણવા મળે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કર્મચારી મંડળ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મહેસૂલ વિભાગ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ નીતિવિષયક, બઢતી, બદલી, તેમજ સેવા વિષયક પ્રશ્નો અંગે અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. મુદત પૂર્ણ થયાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં અને ઉચ્ચ કક્ષાએથી વારંવાર માત્ર આશ્વાસનો જ મળ્યા હોવાથી કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મંડળના સભ્યોનું કહેવું છે કે, "અમે પૂરતી મુદત અને સમય આપ્યો હતો, પરંતુ વહીવટી તંત્ર દ્વારા અમારી વ્યાજબી માંગણીઓ પ્રત્યે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી, જેના કારણે અમારે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે."

Image

સુરત જિલ્લામાં વિરોધ પ્રદર્શનનું ચિત્ર

આજરોજ સુરત શહેર અને જિલ્લાની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં સવારથી જ વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેર - જિલ્લામાં આવેલી 18 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા ૫૩ જેટલા સબ-રજિસ્ટ્રાર અધિકારીઓ અને કર્મચારીઓ/ક્લાર્કોએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની રોજિંદી કામગીરી ચાલુ રાખી હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે,તેઓ જનતાને હેરાન કરવા માગતા નથી,તેથી કામ બગાડ્યા વિના કાળી પટ્ટી બાંધીને સરકારનું ધ્યાન દોરવાનો આ પ્રથમ તબક્કાનો શાંતિપૂર્ણ વિરોધ છે. કર્મચારીઓના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે,"અમે નાગરિકોની સેવા અટકાવવા નથી માગતા,પરંતુ અમારો હક અને ન્યાય મેળવવા અમારી મજબૂરી બની ગઈ છે."

અરજદારો અને કામગીરી પર અસર

કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવાની સાથે કર્મચારીઓએ દસ્તાવેજ નોંધણી અને અન્ય કામગીરી ચાલુ રાખી હતી, જેથી જમીન-મિલકતની લે-વેચ માટે આવેલા અરજદારોને કોઈ મોટું નુકસાન કે મુશ્કેલી પડી ન હતી. જોકે, કર્મચારીઓના ચહેરા પરનો અસંતોષ અને વિરોધની અસર કચેરીના વાતાવરણમાં સ્પષ્ટપણે વર્તાતી હતી. એડવોકેટ ઉવેશ હકીમ, જયેશ રાણા, મૂર્તૂઝા શેખ, શારીક શેખ જેવા રેવન્યુ એડવોકેટના જણાવ્યા મુજબ કર્મચારીઓની માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા જણાવ્યું હતું કે, પડતર પ્રશ્નોના કારણે આખરે સામાન્ય પ્રજાને જ કામમાં વિલંબ સહન કરવો પડે છે, તેથી સરકારે આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ.

આગામી દિવસોમાં આંદોલન તીવ્ર બનાવવાની ચીમકી

કર્મચારી મંડળના સ્થાનિક નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આજની કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવાની લડત બાદ પણ વડી કચેરી કે મહેસૂલ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.

મંડળ દ્વારા આગામી તબક્કામાં નીચે મુજબના પગલાં લેવાની વિચારણા ચાલી રહી છે:

  • કામગીરીથી અળગા રહી માસ સીએલ (Mass CL) પર ઉતરી જવું.
  • કચેરીઓ સામે ધરણાં અને સૂત્રોચ્ચાર.
  • અચોક્કસ મુદતની હડતાળ પર જવું.

જો સ્થિતિ હડતાળ સુધી પહોંચશે તો સુરત સહિત સમગ્ર રાજ્યમાં જમીન-મિલકતોની નોંધણી, સ્ટેમ્પ ડ્યુટીની આવક અને મહેસૂલી કામગીરી ઠપ્પ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી સરકારને કરોડો રૂપિયાની મહેસૂલી આવકનું નુકસાન થઈ શકે છે.

કયા-કયા ગ્રૃપમાંથી સબ રજિસ્ટ્રાર નિકળી ગયાની નામાંવલી

1. Sub registrar office surat

2. Sro-surat zone

3. Garvi 2.0 surat

4. Dc stamp

5. Vechan utara

6. Record digitisation

7. New jantri 2024 ગ્રૃપમાંથી નિકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.