Voice of Surat

રાજ્ય સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવક રૂ.૧૩૬૯૯ કરોડ!!

Posted On: |2 min read
2023માં સરકાર દ્વારા જંત્રીના દરમા કરાયેલા સો ટકા વધારાને બજારે સ્વીકારી લીધો છે. જેને સીધી અસર સરકારની વધેલી આવકમાં દેખાઈ રહી છે.

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી રહ્યા છે. જેના કારણે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવકમાં ૭ટકાનો વધારો થયો હતો. એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૫ સમયગાળા દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવક ૧૩,૬૯૯ કરોડ પર પહોંચી હતી. જે ગત વર્ષના સમાનગાળા દરમિયાન ૧૨,૮૨૧ કરોડ થઇ હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી અનુસાર મિલકત નોંધણીના કારણે થતી આવક નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૯,૮૦૦ કરોડના બજેટ લક્ષ્યાંકને વટાવી જવાની અપેક્ષા છે. પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનના ઊંચા મૂલ્યના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
સૂત્રો મુજબ, ૨૦૨૩માં સરકાર દ્વારા જંત્રીના દરમાં કરાયેલા ૧૦૦ ટકા વધારાને બજારે સ્વીકારી લીધો છે, જેની સીધી અસર સરકારની વધેલી આવકમાં દેખાઈ રહી છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આ આવક ૧૪,૭૦૬ કરોડ હતી, જે ૨૦૨૩-૨૪માં ૧૩,૭૩૧ કરોડ નોંધાઈ હતી..વિવિધ શહેરોમાં જમીનના મોટા સોદા થવાથી આવકમાં મોટો હિસ્સો ઉમેરાયો છે. આ ઉપરાંત ઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવતા હોમ લોન સસ્તી થઈ છે, જેના કારણે ખાસ કરીને નવરાત્રી પછી રેડી ટુ મૂવ મકાનોની માંગમાં વધારો થયો છે. તેમજ અમદાવાદમાં ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની જાહેરાતને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૂત્રો મુજબ, એવી શક્યતા છે કે રાજ્ય સરકાર ૨૦૨૪માં સુધારેલી વૈજ્ઞાનિક જંત્રી અમલમાં લાવશે. આથી, નવા દર લાગુ થાય તે પહેલાં વધુ ને વધુ લોકો નાણાકીય વર્ષના અંત સુધીમાં તેમના પ્રોપર્ટી સોદા પૂર્ણ કરી લેશે, જેનાથી સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં હજુ પણ વધારો થશે.રાજયમાં રિયલ એસ્ટેટ માટે જે જંત્રીનો મુદ્દો છે તે પણ લાંબા સમયથી પેન્ડીંગ છે અને સરકાર હવે જંત્રીના સુધારેલા નવા દર ક્યારે લાગુ કરે તેના પર નજર છે. એક વખત નવી જંત્રી અમલમાં મુકાઈ જાય પછી સરકારની આવકમાં ફરી એક વખત વધારો થશે તેવા સંકેત છે. આ ઉપરાંત ગુજરાતમાં જે રીતે ખેલ મહોત્સવ સહિતના આયોજનો થઈ રહ્યા છે તે પણ નવા નવા બાંધકામને વેગ આપશે. રાજયના ઔદ્યોગીકરણના કારણે સરકાર માટે નવા ઈન્ફ્રા પ્રોજેકટની દરખાસ્ત છે તેના આનુસાંગીક પ્રોજેકટના કારણે પણ સરકારની આવકમાં વધારો થનાર હોવાનું જાણવા મળે છે.