એર હોસ્ટેસ માતાના પ્રેમ સંબંધથી જન્મેલી દીકરી માટે માસી બનશે કાયદેસર ગાર્ડિયન : સુરત ફેમિલી કોર્ટનો અનોખો ચુકાદો

સુરત શહેરની ફેમિલી કોર્ટ દ્વારા એર હોસ્ટેસ સિંગલ મધરની સગીર દીકરીના હિતમાં મહત્વપૂર્ણ હુકમ આપવામાં આવ્યો છે. કોર્ટએ બાળકીની સંભાળ, શિક્ષણ, સુરક્ષા અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેની અપરણિત માસીને બાળકી 18 વર્ષની થાય ત્યાં સુધી કાયદેસર ગાર્ડિયન તરીકે નિમવાનો હુકમ કર્યો છે.
કેસની વિગતો મુજબ, બાળકીનો જન્મ માતાના પ્રેમ સંબંધમાંથી થયો હતો. બાળકીની માતા એર હોસ્ટેસ તરીકે ફરજ બજાવતા હોવાથી તેમને નોકરીના કારણે વારંવાર મુસાફરી તથા અનિયમિત સમયસુચીમાં કામ કરવું પડે છે. જેના કારણે સગીર બાળકીની સતત દેખરેખ, ઉછેર અને દૈનિક સંભાળ માટે યોગ્ય કાયદેસર સંરક્ષકની જરૂરિયાત ઉભી થઈ હતી. આ પરિસ્થિતિમાં બાળકીની અપરણિત માસીએ પોતાની ભત્રીજીના હિતમાં કોર્ટમાં ગાર્ડિયનશીપ માટે અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષએડવોકેટમો.અમીન એ. મેમણતથાએડવોકેટ ઉવેશ એમ. પઠાણદ્વારા સગીર બાળકીના કલ્યાણ, ભવિષ્ય અને સુરક્ષા અંગે દલીલો રજુ કરવામાં આવી હતી. નામદાર કોર્ટે તમામ હકીકતો, દસ્તાવેજો અને બાળકીના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને અપરણિત માસીને ગાર્ડિયન તરીકે નિમણુંક કરવાનો હુકમ કરી બાળકીના હિતને પ્રાથમિકતા આપતો નિર્ણય કર્યો હતો. કાનુની વર્તુળોમાં આ નિર્ણય સગીર બાળકોના હિતને કેન્દ્રમાં રાખતો અને બદલાતી સામાજિક પરિસ્થિતિઓને અનુરૂપ મહત્વપુર્ણ ચુકાદો માનવામાં આવી રહ્યો છે.

