Voice of Surat

20 વર્ષ પહેલા વાપી જેવું હતું, એના કરતાં પણ હાલ ખરાબ પરિસ્થિતિમાં છે : ઈસુદાન ગઢવી

Posted On: |7 min read
ગામોમાં આવેલી જમીનો, સરકારી પડતર, ખરાબા, ગૌચર, ગામતળની જમીનોને મફતના ભાવે પડાવી લેવાની ભાજપની જે સિસ્ટમ છે એની સામે અમારી લડત છે: ચૈતર વસાવા.
ભાજપની અંદર AAPનો ડર દેખાઈ રહ્યો છે: ચૈતર વસાવા

આમ આદમી પાર્ટી દ્વારા વાપી મહાનરપાલિકામાં બદલાવના સંકલ્પ સાથે વિશાળ પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીનૃં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, દક્ષિણ ઝોન ઇન્ચાર્જ રામભાઈ ધડુક, વલસાડ લોકસભા ઈનચાર્જ રાજીવભાઈ પાંડે, જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર શર્મા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્થાનિકો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પરિવર્તનનો સંકલ્પ લીધો હતો.
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 2005-07માં હું મોટરસાયકલ પર બેસીને વાપી, વલસાડ, દમણ, સેલવાસ, ડાંગ સહિત સમગ્ર આદિવાસી વિસ્તારમાં રિપોર્ટિંગ કરતો હતો. હું આદિવાસી લોકોની સમસ્યાઓ, જળ, જંગલ, જમીન, પેસા એક્ટ મુદ્દે એ સમયથી જ અવાજ ઉઠાવતો હતો. હાલ સ્ટેજ પર ધારાસભ્ય ચૈતરભાઈ અને ધારાસભ્ય ગોપાલભાઈ બેઠા છે પરંતુ 2027માં આ સ્ટેજ પર આ વિસ્તારના 10 જેટલા ધારાસભ્ય બેઠા હશે. હું જ્યારથી વાપીમાં આવ્યો છું ત્યારથી મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે એટલું પ્રદૂષણ છે. પાણીનું પણ અત્યંત પ્રદૂષણ છે અને ભાજપના લોકો જે બ્રિજ બનાવી રહ્યા છે એ ખબર નહીં કયા જન્મમાં બનશે. 20 વર્ષ પહેલા વાપી જેવું હતું, એના કરતાં પણ હાલ ખરાબ પરિસ્થિતિમાં છે. ભાજપના કમલમમાં વાપી વલસાડના ઉદ્યોગપતિઓ સૌથી વધુ ફંડ આપે છે. હકીકતમાં તમારા અને અમારા જેવા લોકોના પરસેવાની કમાણીથી આ લોકોની કંપનીઓ ચાલે છે. આ કંપનીના માલિકો અને ભાજપના નેતાઓ આપણું લોહી ચૂસી રહ્યા છે, તો હવે આ લોકોને પરચો દેખાડવાનો સમય આવી ગયો છે. ભાજપના લોકોએ આપણા બાળકો માટે સરકારી શાળાઓ રહેવા દીધી નથી, સારી સરકારી હોસ્પિટલો રહેવા દીધી નથી, સારા રોડ-રસ્તા રહેવા દીધા નથી અને વાપીમાં તો રહેવાવાળા વ્યક્તિના જિંદગીના 10 વર્ષ ઓછા થઈ જાય છે. આ લોકો પ્રદૂષણ ફેલાવીને બાળકોના જીવ લેવા પર ઉતરી આવ્યા છે માટે હવે આપણે તમામ લોકોએ પોતાની આત્મા જગાડવી જ પડશે.
આ કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજની પરિવર્તન સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના આગેવાનો AAPમાં જોડાયા છે. સાથે સાથે ગંભીર મુદ્દા વિશે વાત કરું તો આ વિસ્તારમાં કામદારોનું શોષણ થાય છે, તેમને પગાર સ્લીપ આપવામાં આવતી નથી, પીએફ અને ગ્રેજ્યુએટી નથી મળતી, બોનસ નથી મળતું, ઓવર ટાઈમનું વળતર નથી મળતું અને મેડીક્લેમ પણ નથી મળતું, આ મુદ્દે અમને ઘણી રજૂઆતો મળી છે. આ વિસ્તારમાં નાયકવાડ છે, એ વિસ્તારને બળજબરીપૂર્વક મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે અને એમના ઘરો તોડવાની તજવીજ ચાલે છે. બીજા અન્ય 11 ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરીને બંધારણની અનુસૂચિ 5નું ઉલ્લંઘન કરવામાં આવે છે અને પેસા એક્ટનો પણ ઉલ્લંઘન કરવામાં આવે છે, લોકોને રાજકીય રીતે મળેલી અનામતને સમાપ્ત કરવાની કોશિશ થઈ રહી છે. ગામોમાં આવેલી જમીનો, સરકારી પડતર, ખરાબા, ગૌચર, ગામતળની જમીનોને મફતના ભાવે પડાવી લેવાની ભાજપની જે સિસ્ટમ છે એની સામે અમારી લડત છે. આમ આદમી પાર્ટી કામદારોની પાર્ટી છે, ખેડૂતોની પાર્ટી છે, આદિવાસી અને વંચિતોની પાર્ટી છે અને એમના ન્યાય માટે અમે લડતા રહીશું. આ વિસ્તારના સાંસદ આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાની મોટી મોટી વાત કરે છે તો આજે તેઓ નાયકવાડ અને 11 ગામના લોકો સાથે કેમ ઉભા નથી? તે લોકો વાતો કરે છે કે “ફલાણા ગામના આમ આદમી પાર્ટીના 400 કાર્યકર્તા ભાજપમાં જોડાયા” પણ હકીકત એ છે કે અમને પણ ખબર નથી કે કયા ગામમાં અમારા 400 કાર્યકર્તાઓ હતા તો તેઓ હકીકતમાં આ રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ ફક્ત ઉપરથી સૂચનાઓ મળે છે એ પ્રમાણે કામ કરે. આમ આદમી પાર્ટી કામદારો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે કામ કરે છે અને એટલા માટે જ ભાજપની અંદર આમ આદમી પાર્ટીનો ડર દેખાઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જનમેદનીને સંબોધન કરતા કહ્યું હતું કે સરકાર શા માટે બનાવી છે ? આપણને હેરાન કરવા કે આપણું કામ કરવા ? દરેક વસ્તુમાં સરકાર આપણે તકલીફ પહોંચાડતી હોય તેવુ લાગે છે. આખા ગુજરાતમાં બેફામ દારૂ વેંચાય છે. નાની દિકરીઓ વિધવા બને છે. સરકારી તંત્ર બનાવ્યું છે પરંતુ ભાજપની સેવા કરવા માટે અને આપણે સૌને દબાવવા માટે. કાયદા ગરીબ માણસને દબાવવા માટે છે, વ્યવસ્થા બધી ભાજપનાં લોકો માટે છે. જુઠ્ઠુ બોલો, જોરથી બોલો આ મંત્ર મોદી સાહેબે આપ્યો અને તેના મંત્રીઓ મંત્ર રટ્યા કરે છે. હમણાં અહીંના સાસંદ કહ્યું આમ આદમી પાર્ટીમાંથી 400 લોકો ભાજપમાં જોડાયા, 400 લોકો તો અમે પણ એકસાથી પાર્ટીમાં જોયા ન હતા. તો ક્યાંથી જોડાયા ? કોન જોડાયા? ગરીબ માણસનું સાંભળનાર કોઇ નથી. અમને સામે વાળા માણસની પીડા સમજાય છે. અમે તમારા જેવા છીએ એટલે તમારી પીડા દેખાય છે. ભાજપ તો પૈસાવાળાની પાર્ટી છે. મુદ્દો એ નથી કે આમ આદમી પાર્ટી હારી થશે કે જીતશે? મુદ્દો એ છે કે આ લાચાર જનતા જીતશે કે નહીં ? સાવરણાનું બટન દબાવો અને તમારો આગળનો રસ્તો સરળ બનાવો. મુખ્યમંત્રી કે વડાપ્રધાન આવે તો રાતો રાત રોડ નવા બની જાય છે. તમારુંને મારું કોઇ વિચારતા નથી. આ ભાજપવાળા અંગ્રેજોનાં વારસદાર છે. આપણા માટે રોડ પણ નથી, ગાંધીનગરથી વાઇસરોય આવે તો રોડ પર કુંડા પણ મૂકાય જાય છે. તમારાને મારા જેવા જુવાનીયા પાછળ રહી ગયા અને ગધેડાઓ ગાંધીનગર પહોંચી ગયા. જનતા માટે લડતા ચૈતર વસાવા અને હું બન્ને ધારાસભ્ય બન્યા તો તમને મજા આવે છે ? તો પછી બે માંથી 102 બને તો કેટલી મજા આવે ? આજે અમે તમારા આર્શીવાદ લેવા માટે આવ્યા છીએ.
AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને આપણે 30 વર્ષ આપ્યા, સામે આપણને શું મળ્યું ? અધિકાર માટે પણ આપણે જ લડવું પડે તો વિચાર કરવો જોઈએ કે આ 30 વર્ષમાં સરકારે શું કર્યું ? છેલ્લા દસ વર્ષમાં જે સાંસદોને સંપત્તિમાં વધારો થયો હોય તેવો એક સંસ્થાનો રિપોર્ટ આવ્યો. જેમાં તમામ નેતાઓની સંપત્તિ 1000 ગણી વધી ગઈ છે. એક બેનની સંપત્તિ 17 કરોડમાંથી 147 કરોડ પહોંચી ગઈ છે અને આ 10 વર્ષમાં આપણે પોતાનું ઘર પણ લઇ શક્યા નથી, આ જોવાની વાત છે, આપણે કોઈ દિશામાં જઈ રહ્યા છીએ ? આ દેશને ધર્મ અને જાતિનાં ઇન્જેક્શન આપીને મતની ચોરી કરનાર ભારતીય જનતા પાર્ટીએ બરબાદીનું સૌથી મોટું મૂડ છે. વાપીમાં હજુ પણ 50 વર્ષ સુધી આ પાર્ટીને જીતાડતા રહેશો તો કંઈ ભલું થવાનું નથી. ક્યારેય આપણી સમસ્યા સુધરવાની નથી. ગુજરાતમાં 30 વર્ષમાં ટકાઉ રસ્તાઓ કે સારું પીવાનું પાણી પણ નથી આપી શક્યા અને ભાજપના કમલમ કાર્યાલય ફાઇવસ્ટાર હોટલ જેવા છે. અત્યાર સુધી ભાજપ કહેતી કે તમારી પાસે કોઈ વિકલ્પ નથી તો ક્યાં જશો? પરંતુ અહીં ઉપસ્થિત જનતા બતાવે છે કે ગુજરાતમાં વિકલ્પ છે, અને તે છે આમ આદમી પાર્ટી. પરિસ્થિતિ ત્યારે જ બદલાશે જ્યારે આપણે આપણું નેતૃત્વ પેદા કરીશું, કોઈ કંપનીના માણસો, કોઈ ઉદ્યોગપતિઓ કે કોઈ મોટા નેતાઓના દીકરાઓ આ પરિસ્થિતિ બદલી શકશે નહીં. આપણી વચ્ચેના આપણા જેવા યુવાનો ગુજરાતની સ્થિતિ બદલી શકે તેમ છે. એટલા માટે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીનો એક નવો વિકલ્પ પેદા કરવાની જરૂર પડી છે. ગુજરાતની જનતાએ જ્યારે જરૂર પડે ત્યારે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ કર્યું છે. આ વખતે પણ આપણે ગલી ગલીથી ચૈતર વસાવા,ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા પેદા કરવાનું કામ કરવાનું છે. આમ આદમી પાર્ટી દેશ અને ગુજરાતમાં એક નવા વિકલ્પ તરીકે આગળ વધી રહી છે, આપણે સૌ એક થઈશું તો ગુજરાતમાં પરિવર્તન હવે દૂર નથી, તેની સેમી ફાઈનલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આ સેમિફાઇનલમાં આપણે જીતવાનું છે, જીતથી ઓછું આપણે કંઈ ન જોઈએ. તમારે આશીર્વાદથી અને તમે મહેનત કરશો તો સો ટકા વાપીમાં આપણે જીતીશું.