Voice of Surat

ક્રાઈમ બ્રાન્ચની ટીમના અમદાવાદમાં ધામા, રામનગરની 35 લાખની લૂંટમાં છારા ગેંગનો હાથ!!

Posted On: |1 min read
રાંદેરમાં થયેલી 35 લાખની લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મહત્વની કડી હાથ લાગી છે. આ ગુનામાં અમદાવાદની કુખ્યાત 'છારા ગેંગ' સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરમાં થોડા દિવસો પહેલાં થયેલી 35 લાખની મોટી લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મહત્વની કડી હાથ લાગી છે. આ ગુનામાં અમદાવાદની કુખ્યાત 'છારા ગેંગ' સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળે છે. લૂંટારુઓએ અત્યંત ચાલાકીપૂર્વક લૂંટને અંજામ આપ્યો હતો. ભોગ બનનારની કારે અકસ્માત કર્યો છે તેવું નાટક કરીને તેને રસ્તામાં રોકવામાં આવ્યો હતો. જેવો ચાલક કારમાંથી નીચે ઉતર્યો કે તુરંત જ ગઠિયાઓ નજર ચૂકવીને રૂ. 35 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા પોલીસને શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ ફૂટેજના આધારે લૂંટારુ ગેંગની ઓળખ અમદાવાદની છારા ગેંગ તરીકે કરવામાં આવી છે. ગેંગની ઓળખ થતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમોએ અમદાવાદમાં ધામા નાખ્યા છે. આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદથી વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.