પાલિકાના હદ વિસ્તારમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માત્ર 500 રુપિયા ભરી કાયદેસર કરી શકાશે

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણનો પ્રશ્ર ચોમાસાની સિઝનમાં વળવું સ્વરૂપ ધારણ કરે છે. અનેક વિસ્તારોમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણોનો રાફટો ફાંટવાની સાથે જ ગટર ઉભરાવાની સમસ્યા વકરે છે. જે અંતર્ગત હવે નાણાંકીય વર્ષના અંતે અને ચૂંટણી વર્ષ હોય શાસકો દ્વારા રાહત આપવાની સાથે જ વર્ષો જૂની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ થયો છે. જેમાં હવે પાલિકા હદ વિસ્તારમાં આવેલા ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માત્ર ૫૦૦ રૂપિયા ભરી કાયદેસર કરી શકાશે. સ્થાયી સમિતિ ચેરમેને સુઓમોટો દરખાસ્ત રજૂ કરવાની સાથે જ યોજનાનો લાભ લેવા ડિસેમ્બર-૨૦૨૬ સુધીની મુદ્દત નિર્ધારીત કરાઇ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલા જ સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે પાણીના જોડાણો માટે રાહત આપતો નિર્ણય કર્યો હતો. જેમાં હવે ડ્રેનેજ જોડાણનો વારો હોય ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે પહેલીવાર મોટો નિર્ણય લેવાયો છે. સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરેલી સુઓમોટો દરખાસ્ત મુજબ, ગેરકાયદે ડ્રેનેજ જોડાણોને નિયમબદ્ધ કરવા માટે મહત્વનો પ્રયાસ થયો છે. પાલિકાના આકારણી દફ્તરે ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ સુધી નોંધાયેલી તમામ રહેણાંક પ્રકારની બિલ્ડીંગો દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેઈન અને રેગ્યુલર ડ્રેનેજ નેટવર્કમાં કરવામાં આવેલા ગેરકાયદે ડ્રેનેજ જોડાણ-નોંધણી વગરના જોડાણોને નિયમિત ડ્રેનેજ નેટવર્કમાં જોડાણ-ટ્રાન્સફર કરવા માટે અરજદાર દ્વારા ૩૧ ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં વ્યક્તિગત ગેરકાયદે જોડાણ જાહેર કરી પાલિકામાં અરજી કરી શકશે.
મે-૨૦૨૩થી નિયત કરવામાં આવેલી પોલિસી પ્રમાણે ગેરકાયદે ડ્રેનેજ જોડાણોને કાયદેસર કરવા માટે ડ્રેનેજ જોડાણના કનેક્શન ચાર્જથી ત્રણ ગણી રકમ વસૂલ કરવામાં આવતી હતી. તેની જગ્યાએ હવે ડ્રેનેજ કનેક્શન ચાર્જ પેટે વ્યક્તિગત યુનિટ આધારે માત્ર ૫૦૦ રૂપિયા વસૂલવામાં આવશે. સ્ટ્રોર્મ વોટર ડ્રેઇન લાઈન અને રેગ્યુલર ડ્રેનેજ નેટવર્ક બન્ને માટે આ જ ૫૦૦ રૂપિયા કનેક્શન ચાર્જ લેવાશે. ૩૧ ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે.

