Voice of Surat

‘સ્માર્ટ મીટર પખવાડિયા-૨૦૨૬' હેઠળ DGVCLની નોંધપાત્ર સિદ્ધિ: ૧૦ લાખ સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ

Posted On: |3 min read
ઝડપભેર મીટર સ્થાપન, વ્યાપક જનસંપર્ક, ફરિયાદોનો શતપ્રતિશત નિકાલ અને મોબાઇલ એપના બહોળા ઉપયોગથી ગ્રાહકકેન્દ્રી પારદર્શક વીજ સેવા*

દક્ષિણ ગુજરાતમાં ડિજિટલ વીજ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.) દ્વારા તા.૯ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત ‘સ્માર્ટ મીટર પખવાડિયા-૨૦૨૬' સફળ પૂર્ણાહુતિ થઇ છે. DGVCL એ આ સમયગાળા દરમિયાન જનજાગૃતિ, ગ્રાહક સંવાદ અને ટેકનિકલ વિસ્તરણ; ત્રણેય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. DGVCL દ્વારા કુલ ૪૨ લાખ સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરવાના લક્ષ્યાંક અંતર્ગત અત્યાર સુધી ૧૦ લાખ મીટર સ્થાપિત થઈ ચૂક્યા છે. હાલ દરરોજ આશરે ૩થી ૪ હજાર સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વીજ વિતરણ વ્યવસ્થા ઝડપથી આધુનિક અને પારદર્શક બની રહી છે. આ કાર્યક્રમ હેઠળ ઘર-ઘર જઈને ગ્રાહકોને સ્માર્ટ મીટરની કાર્યપદ્ધતિ સમજાવવામાં આવી હતી. વિવિધ સ્થળોએ મદદ કેન્દ્રો, કેનોપી, સ્ટેન્ડી અને બેનરો લગાવી સ્માર્ટ મીટરના લાભ અંગે ૫૦ હજાર અને ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ અંગે ૩૦ હજાર પેમ્ફલેટનું વિતરણ કરાયું હતું. તેમજ અધિકારી- કર્મચારીઓએ સ્થળ પર હાજર રહી ગ્રાહકોની સમસ્યાઓનું નિવારણ કર્યું હતું. ‘સ્માર્ટ મીટર પખવાડિયા ૨૦૨૬’ દક્ષિણ ગુજરાતમાં આધુનિક વીજ વ્યવસ્થાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થઇ છે. ઝડપી ગતિએ મીટર સ્થાપન, વ્યાપક જનસંપર્ક, ફરિયાદોનો શતપ્રતિશત નિકાલ અને મોબાઇલ એપનો વધતો ઉપયોગથી ડીજીવીસીએલ ગ્રાહકકેન્દ્રિત અને પારદર્શક સેવા માટે વધુ આગળ વધી છે.

પખવાડિયામાં ૧.૬૩ લાખ ગ્રાહકો સાથે સીધો સંપર્ક

સ્માર્ટ મીટર પ્રત્યે જાગૃતિ વધારી લોકોનો નવી ટેકનોલોજીમાં વિશ્વાસ સ્થાપિત કરવાના હેતુસર યોજાયેલા સ્માર્ટ મીટર પખવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ- સુરત, નવસારી, ભરૂચ, વાપી, વલસાડ, વ્યારા અને ડાંગમાં વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૧,૬૩,૫૦૦ ગ્રાહકો સુધી સીધો સંપર્ક કરી તેમને સ્માર્ટ મીટરના લાભો, કાર્યપદ્ધતિ અને પારદર્શક બિલિંગ પ્રણાલી વિશે માહિતી આપવામાં આવી હતી.

૮૮,૭૧૦ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ૫૯,૮૩૫ ડોર ટુ ડોર વિઝીટ

આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. જેમાં માહિતી, શિક્ષણ અને જનસંપર્ક સંબંધિત ૮૮,૭૧૦ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ૯,૨૩૩ મોબાઇલ એપ નોંધણી, ૫૯,૮૩૫ ઘર મુલાકાત, ૩૮,૮૪૦ મદદ કેન્દ્ર અને માર્ગદર્શન ડેસ્ક સંપર્ક, ૩૧,૨૭૫ નગરપાલિકા અને નગરપંચાયત વર્કશોપ, ૧૯,૧૧૫ ગ્રાહક સર્વે અને ૭૨૨ ફરિયાદોનો ૧૦૦ ટકા નિકાલ કરાયો છે.

૯૦ હજાર ગ્રાહકો મોબાઇલ એપ સાથે જોડાયા: રિયલ ટાઈમ વીજ વપરાશ માહિતી ઉપલબ્ધDGVCLની સ્માર્ટ મીટર મોબાઇલ એપ સાથે અત્યાર સુધી આશરે ૯૦ હજાર ગ્રાહકો જોડાયા છે. આ એપ દ્વારા ગ્રાહકો પોતાનો રિયલ ટાઈમ વપરાશ જોઈ શકે છે. સાથે જ દૈનિક, સાપ્તાહિક અને માસિક વપરાશનું વિગતવાર વર્ણન, સંભવિત બિલની અગાઉથી જાણ, ઊર્જા બચત માટે યોગ્ય આયોજન, મીટર રીડિંગ અને બિલિંગમાં સંપૂર્ણ પારદર્શિતા સહિતની અન્ય સુવિધાઓ પણ આ એપ થકી ઉપલબ્ધ છે. નોંધનીય છે કે, DGVCL સ્માર્ટ મીટર મોબાઇલ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. નોંધણી કર્યા પછી ગ્રાહક દરરોજ પોતાની વીજ વપરાશની માહિતી મેળવી શકે છે.

સામાજિક માધ્યમો દ્વારા ગેરસમજ દૂર કરાઈ

અભિયાન દરમિયાન સામાજિક માધ્યમો દ્વારા સ્માર્ટ મીટર અંગે ફેલાયેલી ગેરસમજ દૂર કરવામાં આવી હતી. માહિતીપ્રદ સંદેશા અને જાગૃતિ સામગ્રી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે સ્માર્ટ મીટર સુરક્ષિત, ચોક્કસ અને આધુનિક ટેકનોલોજી આધારિત છે.