શરાબ કૌભાંડમાં કેજરીવાલ સહિત 23નો નિર્દોષ છૂટકારો

રાજકીય ચકચાર સર્જાતા એક ચુકાદામાં દિલ્હીની ટ્રાયલ કોર્ટે શુક્રવારે શરાબ નીતિ કૌભાંડના કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને બીજા 21 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. આ કેસમાં કોર્ટે તેલંગાણા જાગૃતિના પ્રમુખ કે કવિતાને પણ નિર્દોષ જાહેર કર્યા હતાં. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇની આકરી ઝાટકણી કાઢતાં કોર્ટે જણાવ્યું હતું કે શરાબ નીતિમાં કોઈ મોટા કાવતરા કે ગુનાહિત ઇરાદાના પુરાવા નથી. કથિત કાવતરું કલ્પના અને અનુમાન પર આધારિત એક કાલ્પનિક કહાની સિવાય બીજું કંઈ નથી. તેમાં કોઇ પુરાવા પણ નથી. કેસમાં કેજરીવાલને ક્લીનચીટ મળતાં આમ આદમી પાર્ટીના કાર્યકારોએ ઉજવણી કરી હતી. કેજરીવાલ પત્રકારો સાથે વાતચીત કરતાં ભાવુક થયાં હતાં અને રડતા રડતા આક્ષેપ કર્યો હતો કે તેમની સામેનો ભ્રષ્ટાચારનો કેસ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું રાજકીય કાવતરું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ઇશારે APPને ખતમ કરવા માટે આ કાવતરુ ઘડવામાં આવ્યું હતું. AAPના પાંચ સૌથી મોટા નેતાઓને પાર્ટીને ખતમ કરવા બદલ જેલમાં ધકેલવામાં આવ્યાં હતાં. કોર્ટે સાબિત કર્યું છે કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને AAP કટ્ટર ઇમાનદાર છે.
આ કેસમાં કેજરીવાલ છ મહિના જેલમાં રહ્યાં હતાં, જ્યારે સિસોદિયા આશરે બે વર્ષ જેલમાં હતાં. પત્રકાર પરિષદને સંબોધતાં કેજરીવાલે જણાવ્યું હતું કે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા દાખલ કરાયેલા કેસોના સંદર્ભમાં પણ મુક્તિ માટે કોર્ટમાં અરજી દાખલ કરશે. દિલ્હીની કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીની ઝાટકણી કાઢવામાં કંઇ બાકી રાખ્યું ન હતું. 598 પેજના ચુકાદામાં જસ્ટિસ સિંહે જણાવ્યું હતું કે ચાર્જશીટ આંતરિક વિરોધાભાસોથી ભરપૂર છે અને કાવતરાની થીયરી પર પ્રહાર કરે છે. શરાબ નીતિમાં કોઈ મોટા કાવતરા કે ગુનાહિત ઈરાદાના કોઇ પુરાવા નથી. સીબીઆઈનો આ કેસ ન્યાયિક ચકાસણીમાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે અસમર્થ છે. તપાસ પૂર્વનિર્ધારિત માર્ગ પર આગળ વધી હોય તેવું લાગે છે, જેમાં નીતિના નિર્માણ અથવા અમલીકરણ સાથે સંકળાયેલા લગભગ દરેક વ્યક્તિને સંડોવવામાં આવ્યાં હતાં. ન્યાયાધીશના મતે કોઈ પુરાવાના અભાવે કેજરીવાલ સામેના આરોપો ટકી શકે નહી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીને કોઈપણ મજબૂત પુરાવા વગર ફસાવવામાં આવ્યા હતાં. આ કોર્ટને એવું કહેવામાં જરા પણ ખચકાટ નથી કે રેકોર્ડ પર મુકવામાં આવેલી સામગ્રી કોઈપણ વ્યક્તિ સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ અથવા ગંભીર શંકા પેદા કરતાં હોય.

