જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી ૩૦મું અંગદાન સફળ

સુરત શહેરમાં માનવતાનો વધુ એક પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો છે. ગીતાનગર, પુણાગામ (સુરત) ખાતે રહેતા અને મૂળ ઉપલેટા (જી. રાજકોટ) ના વતની અંગદાતાશ્રી પરેશભાઈ કિશનભાઈ કપુપરા (ઉંમર ૪૩ વર્ષ), વ્યવસાયે ડાયમંડ વર્કર, તા. ૧૨/૦૨/૨૦૨૬ના રોજ સવારે કામ પર જવા નીકળ્યા હતા ત્યારે સોસાયટીના ગેટ પાસે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા. તાત્કાલિક પરિવારજનો તથા સોસાયટીના સભ્યોની મદદથી તેમને સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડાયમંડ હોસ્પિટલનાં ઈમરજન્સી વિભાગની ડોક્ટર ટીમ દ્વારા વિશેષ નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીને મગજમાં હેમરેજ હોવાનું માલુમ પડેલ જેથી તુરંત તેની સર્જરી કરવામાં આવેલ હતી. સઘન સારવાર બાદ તા. ૨૬-૦૨-૨૦૨૬ના રોજ ડો. ગૌરવ રૈયાણી, ડૉ. હિતેશ ચિત્રોડા, ડો. નિરવ સુતરીયા, ડો. હરેશ પાગડા ની ટીમ દ્વારા દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
બ્રેઈન ડેડ જાહેર થતાં જ ડૉ. હરેશ પાગડા-એડમિનિસ્ટ્રેટર ડાયમંડ હોસ્પિટલ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ (JODF) ના વિપુલ તળાવિયા નો સંપર્ક કરવામાં આવ્યો હતો. પી.એમ. ગોંડલિયા, જસ્વીન કુંજડીયા સહીત ટીમ જીવનદીપ દ્વારા પરિવારજનોને અંગદાન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું. પરિવારજનો પૈકી માતા હેમીબેન કપુપરા, પત્ની દિવ્યાબેન પરેશભાઈ , દીકરો શ્રુત પરેશભાઈ સહીત માસીનાં દીકરા નીલેશભાઈ અકબરી (VHP, દક્ષીણ ગુજરાત), પ્રવીણભાઈ અકબરી, કઝીન અશ્વિનભાઈ કપુપરા, બનેવી રોમિતકુમાર વિરાણી, નરસીભાઈ જોધાણી ના સાથે વિસ્તૃત ચર્ચા દરમ્યાન માતા હેમીબેન એ કહેલ શબ્દો અત્યંત સ્પર્શક હતા: “મારો દીકરો તો કદાચ નહીં રહે, પરંતુ તેના થકી વધુમાં વધુ લોકોને જીવન મળે તેવો પ્રયત્ન કરજો.” દુઃખની આ ઘડીએ પત્ની દયાબેન, પુત્ર શ્રુત, માતાશ્રી તથા તમામ પરિવારજનો દ્વારા માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં અંગદાન માટે સંમતિ આપવામાં આવી.
પરિવારના સભ્યોની સંમતિ મળતા તેઓનું સોટો માં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરવામાં આવેલ જે અંતર્ગત IKDRC હોસ્પિટલ, અમદાવાદ દ્વારા લિવર અને બંને કિડની સ્વીકારવામાં આવ્યા, તેમજ એક હાથનું દાન કિરણ હોસ્પિટલ, સુરત તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. પરેશભાઈ કપુપરા અંગદાનથી કુલ- ૦૬ દર્દીઓને નવજીવન મળનાર છે. પરેશભાઈ કપુપરા આજે ભલે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અંગદાનથી તેઓ અનેક જીવનમાં ધબકતા રહેશે. પરિવારજનોની આ મહાન માનવતાભરી ભાવનાને હાર્દિક વંદન. અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં ડાયમંડ હોસ્પિટલના ચેરમેનશ્રી સી. પી. વાનાણી, શ્રી દિનેશભાઈ નાવડીયા, માવજીભાઈ માવાણી, એડમીન ડો. હરેશ પાગડા સાહેબ તથા સમગ્ર ડાયમંડ હોસ્પિટલ પરિવાર અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ. ગોંડલિયા, વિપુલભાઈ તળાવીયા, જસ્વીનભાઈ કુંજડીયા, નિતીનભાઇ ધામેલીયા, બીપીનભાઈ તળાવીયા (ટાઇગર ફોર્સ), નીલેશભાઈ અકબરી(VHP, દક્ષીણ ગુજરાત પ્રચાર –પ્રસાર પ્રમુખ), બિપિન વી. તળાવિયા (અધ્યક્ષ- યુવા મોરચો ભાજપા, સુરત મહાનગર), ડો. માનસી શાહ, સાગર કોરાટ, અભિષેક સોનાણી, આશિષ સાવલિયા, અર્પિત કનાડા, રાજ ગોધાણી સહિત ટીમ જીવનદીપના સભ્યોએ મહેનત કરી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી તેમજ ગ્રીન કોરીડોર માટે ગુજરાત પોલીસ વિભાગના વિશેષ સહકાર થી કપુપરા પરિવારનું આ ૩૦મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
આ અંગદાન અંતર્ગત લીવર, બંને કિડની, એક હાથનું દાન અને બંને ચક્ષુઓ દાન કરવામાં આવ્યા, જેના થકી કુલ- ૦૬ ને નવજીવન મળશે.“અંગદાન – સર્વશ્રેષ્ઠદાન”


