DGVCL :465 કરોડના બાકી વીજ બિલની ઉઘરાણી કરવા સ્પેશિયલ ડ્રાઇવ

દક્ષિણ ગુજરાતના ૩૭ લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) માર્ચ મહિનો આવતા જ બાકી વીજબિલની ઉઘરાણી બાબતે આક્રમક મૂડમાં આવી ગઈ છે. લાંબા સમયથી વીજબિલની ભરપાઈ કરવામાં આળસ કરતા વીજગ્રાહકોને કારણે ડીજીવીસીએલનું લેણું અધધ.. ૪૬૫.૪૯ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ત્યારે બાકી ૪૬૫.૪૯ કરોડની ઉઘરાણી માટે વીજ કંપનીએ “સ્પેશિયલ ડ્રાઈવ'ની જાહેરાત કરી છે. જે વીજ ગ્રાહકો બિલ નહીં ભરે તેમના વીજ જોડાણો કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર કાપી નાંખવા નિર્ણય લીધો છે. આ માટે અલગ અલગ ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. ડીજીવીસીએલની કડકાઈથી વીજબિલ ભરપાઈ કરવામાં આડોડાઈ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
DGVCLનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કંપની દ્વારા ગ્રાહકોની સગવડતા અને માનવીય અભિગમને ધ્યાને રાખીને નરમ વલણ અપનાવવામાં આવતું હતું. વારંવાર રિમાઈન્ડર અને વિનંતીઓ કરવા છતાં ઘણા ગ્રાહકો નિર્ધારિત સમયમર્યાદામાં બિલની ચૂકવણી કરતા નથી. આ બેદરકારીને કારણે કંપની પર આર્થિક બોજ વધી રહ્યો છે. ડીજીવીસીએલે તમામ વિભાગીય કચેરીઓને બાકીદારોની યાદી સોંપી દીધી છે. જેમાં ઘરેલું, વ્યાવસાયિક, ઔદ્યોગિક અને કૃષિ એમ તમામ કેટેગરીના વીજગ્રાહકો સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે. વીજગ્રાહકોને સ્થળ પર બાકી વીજબિલ ભરપાઈ કરવાની છેલ્લી તક આપવામાં આવશે, આમ છતાં વીજબિલ ભરપાઈ નહીં કરે તો તો તેવા ગ્રાહકોનું જોડાણ કાપી નાખવામાં આવશે. એકવાર વીજજોડાણ કપાયા બાદ ફરીથી કનેક્શન મેળવવા માટે બાકી રકમ ઉપરાંત દંડ અને રિ-કનેક્શન ચાર્જ પણ ચૂકવવો પડશે.
વીજગ્રાહકો UPIના માધ્યમોથી ઘરે બેઠા બિલ ભરી શકશે
વીજ ગ્રાહકો DGVCLની એપ, યુપીઆઈ (UPI), નેટ બેન્કિંગ કે ડેબિટ કાર્ડ દ્વારા ગણતરીની સેકન્ડોમાં પેમેન્ટ કરી શકે છે. કંપનીએ વિનંતી સાથે ચેતવણી આપી છે કે બિનજરૂરી કાયદાકીય કાર્યવાહી અને ઘર કે ઓફિસમાં અંધારપટની સ્થિતિ ટાળવા માટે ત્વરિત સહકાર આપે.
વીજગ્રાહકોને ૧૦ દિવસનું અલ્ટિમેટમ, ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે
DGVCL એ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોએ બિલ મળ્યાના ૧૦ દિવસની અંદર સંપૂર્ણ રકમ ભરપાઈ કરી દેવાની રહેશે. ડિજિટલ યુગમાં હવે ગ્રાહકોની કોઈપણ પ્રકારની બહાનાબાજી ચાલશે નહીં. ગ્રાહકોની સુવિધા માટે કંપનીએ ડિજિટલ પેમેન્ટ ઉપર પણ ભાર મૂક્યો છે. તેમજ બાકી વીજબિલ જેમ બને તેમ ઝડપથી ભરપાઈ કરી દેવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ પુરું થવા આવતા કંપનીએ કડકાઈથી ઉઘરાણી શરૂ કરી છે.

