Voice of Surat

હાઇકોર્ટ : 10 હજાર કોન્સ્ટેબલની ભરતી માટે 10 લાખ ફોર્મ ભરાયા તો વિચારો કેટલી બેરોજગારી છે

Posted On: |2 min read
Voice of Surat News

ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં રાજય સરકાર તરફથી પોલીસ તંત્રમાં ચાલી રહેલી ભરતી અને આંકડાકીય માહિતી રજૂ કરી હતી, જેમાં ફેઝ-૨માં પોલીસ ભરતીમાં દસ લાખ ભરાયા હોવાની વાત સાંભળી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે સરકારને માર્મિક ટકોર કરી હતી કે, ફેઝ-૨ની ભરતી પ્રક્રિયામાં જો દસ લાખ ફોર્મ ભરાયા હોય તો તે પરથી વિચારો કે કેટલી બેરોજગારી પ્રવર્તી રહી છે ? ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે સરકારને ભરતી પ્રક્રિયા ચાલુ રાખવાની તાકીદ કરી કેસની વધુ સુનાવણી મે મહિનામાં રાખી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર પક્ષ તરફથી આજે ભરતી પ્રક્રિયાની વિગતો અદાલતને આપતા જણાવાયું કે, વર્તમાન ભરતીમાં ૧૦,૯૦૨ કોન્સ્ટેબલની પોસ્ટમાંથી ૯,૭૨૪ની નિમણૂકને મંજૂરી મળી ગઇ છે. બાકીનાનું જાતિના પ્રમાણપત્રની ચકાસણી હાથ ધરાઈ રહ્યું છે. ૪૭૨ જેટલી પીએસઆઈની પોસ્ટ માટેની પરીક્ષામાં ૮૬,૭૨૭ ઉમેદવારો લેખિત પરીક્ષામાં બેઠા હતા, જેનું પરિણામ તા.૨૬મી ડિસેમ્બરે જાહેર કરાયું પરંતુ જાન્યુઆરી માસમાં ઉમેદવારોની રિ-ચેકિંગની અરજીઓ પણ મંગાવાઈ હતી, જે રિ-ચેકિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે અને માર્ચ-૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઈ જશે. સરકારપક્ષે વધુમાં જણાવ્યું કે, ફેઝ-રની ભરતી પ્રક્રિયા અનુસંધાનમાં પોલીસ ભરતી માટે દસ લાખથી વધુ ફોર્મ ભરાયા હતા. જયારે ફેઝ-૧માં પણ ૧૫ લાખ જેટલા ફોર્મ આવ્યા હતા. છેલ્લા ૧૬ મહિનામાં ૧૨,૩૫૦ જગ્યાઓ પ્રમોશનથી ભરાઈ છે. તો, ૧૩,૫૯૧ કર્મચારીઓની ભરતીમાં પીએસઆઈ પણ સામેલ છે. હાલ તેમાં રાજયના ૧૫ ગ્રાઉન્ડ પર ફિઝીકલ ટેસ્ટ ચાલી રહ્યા છે, તે પણ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે તેવું જાણવા મળે છે.