Voice of Surat

ગુજરાત સહિત સુરતમાં લેન્ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારીઓનું ઉગ્ર આંદોલન: જમીન માપણી અને પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઠપ

Posted On: |4 min read
હડતાલના કારણે સુરત સહિત સમગ્ર રાજ્યના મહેસૂલી અને જમીન દફતર તંત્રમાં મોટો વહીવટી સ્તંભ અટકી ગયો છે

અનસારી તાહીર

ગુજરાત રાજ્યમાં જમીન દફતર અને મહેસૂલ વિભાગના અભિન્ન અંગ સમાન એવા લેન્ડ રેકર્ડ વિભાગમાં લાંબા સમયથી ચાલી રહેલા અસંતોષે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઉગ્ર સ્વરુપે સુરતમાં પણ પોતાનો દેખાવો યથાવત રાખ્યો હોવાનું દેખાઇ આવે છે. ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારી મંડળ દ્વારા લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.અગાઉ તબક્કાવાર આવેદનપત્રો અને માસ સીએલ (Mass CL) આપ્યા બાદ હવે કર્મચારીઓએ આંદોલનને વધુ તેજ બનાવીને 'પેન ડાઉન' અને અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, જેના કારણે સરકારી કચેરીઓમાં મહત્વપૂર્ણ કામગીરી ઠપ થઈ ગઇ હોવાનું નજરે પડે છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત - તાપી જિલ્લાના પ્રમુખઇસરાણી રુચીતદાન ઘનશ્યામદાનના જણાવ્યા અનુસાર લેન્ડ રેકર્ડ વિભાગમાં ફરજ બજાવતા સર્વેયર અને સિનિયર સર્વેયર તેમજ અન્ય વર્ગ-૩ના કર્મચારીઓ વર્ષોથી અનેક પ્રકારની વહીવટી વિસંગતતાઓનો સામનો કરી રહ્યા છે.મુખ્ય માંગણીઓમાં સર્વેયરોનો ગ્રેડ-પે સુધારવા, ખાલી પડેલી હજારો જગ્યાઓ પર કાયમી ધોરણે નવી ભરતી કરવા, બઢતીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને ટેકનિકલ સ્ટાફને મળવાપાત્ર યોગ્ય લાભો આપવાનો સમાવેશ થાય છે. અગાઉ અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં સરકાર કે વિભાગ દ્વારા યોગ્ય નિકાલ ન લાવવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આજે બપોરના સુમારે સુરત શહેરના નાનપુરા ખાતે આવેલી જુની બહુમાળી બિલ્ડિંગના કેમ્પર્સમાં સુરત શહેર તેમજ તાપી જિલ્લાના સિનિયર સર્વેયરો, સર્વેયરો, કલાર્ક સહિત 120 જેટલા અધિકારીઓએ પોતાનો વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ નોંધાવ્યો હોવાનું જાણવા મળે છે. કર્મચારી મંડળ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર દ્વારા વહેલી તકે સકારાત્મક વલણ દાખવીને તેમની ન્યાયી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ મધ્યમ માર્ગ કે ચોક્કસ નિર્ણય નહીં આવે તો રાજ્યભરના કર્મચારીઓ અનિશ્ચિત મુદત માટે સંપૂર્ણ હડતાલ પર ઉતરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો મહેસૂલી તંત્રમાં હડતાલને કારણે વહીવટી સ્તરે ભારે દોડધામ મચી ગઈ હોવાનું દેખાઇ આવે છે.

રાજ્યવ્યાપી આંદોલન અને 'પેન ડાઉન' ની અસર

રાજ્યભરમાં લેન્ડ રેકર્ડ કચેરીના કર્મચારીઓએ કચેરીઓમાં ઉપસ્થિત રહીને પણ કામકાજથી અલિપ્ત રહીને 'પેન ડાઉન' હડતાળ શરૂ કરી છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા, અને હિંમતનગર સહિતના તમામ જિલ્લાઓમાં કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ આંદોલનને કારણે જમીન દફતર વિભાગની દૈનિક કામગીરી પર સીધી અને માઠી અસર પડી રહી હોવાનું જાણવા મળે છે.

શહેર સહિત જિલ્લાના નાગરીકો મુશ્કેલીમાં

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-3 ના કર્મચારીઓની હડતાલ અને પેન ડાઉન હડતાલના કારણે સામાન્ય જનતા, ખેડૂતો અને જમીન ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • જમીન માપણી (Measurement):ખેતીની જમીનો અને પ્લોટની માપણીની અરજીઓ તેમજ રી-સર્વેની કામગીરી સંપૂર્ણપણે અટકી ગઈ છે.
  • પ્રોપર્ટી કાર્ડ અને નકશા:મિલકતના હક્કપત્રક માટે જરૂરી પ્રોપર્ટી કાર્ડ, સિટી સર્વેના રેકર્ડ, ટિપ્પણ અને નકશાની નકલો મેળવવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે.
  • દસ્તાવેજો અને વેચાણ:જમીન વેચાણ અને પ્રોપર્ટીના વ્યવહારો માટે જરૂરી રેકર્ડ સમયસર ન મળવાને કારણે લોન પ્રક્રિયા અને રજિસ્ટ્રેશનમાં પણ અડચણો ઊભી થઈ રહી હોવાનું બહુમાળી કેમ્પર્સમાંથી જાણવા મળી રહ્યું છે.

કર્મચારીઓની આ હડતાલના કારણે સુરત સહિત સમગ્ર રાજ્યના મહેસૂલી અને જમીન દફતર તંત્રમાં મોટો વહીવટી સ્તંભ અટકી ગયો છે, અને જ્યાં સુધી પ્રશ્નોનો કોઈ ચોક્કસ ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.