સુરત મહાનગરપાલિકામાં એક દિવસમાં સાત સમિતિની બેઠક!!

સુરત મહાનગરમાં આગામી ૧૧ માર્ચે સુરત મહાનગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થવાની છે અને એ પહેલાં જ વહીવટી તંત્રમાં અચાનક ઝડપ દેખાઈ છે. પદાધિકારીઓની મંજૂરી અર્થે ફાઇલોને જાણે રેસમાં ઉતારવામાં આવી હોય તેવો માહોલ સર્જાયો છે. શુક્રવારે એક જ દિવસમાં ૭ સમિતિની ઉપરાછાપરી બેઠકો સાથે કુલ ૧૦૧ કામો પર મંજૂરીની મહોર લાગશે.
૧૧ માર્ચના રોજ પદાધિકારીઓની ટર્મ પૂરી થાય તે પહેલા ૯ માર્ચે અંતિમ સામાન્ય સભા યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તે પૂર્વે ૨૭ ફેબ્રુઆરીના શુક્રવારે એક જ દિવસમાં સ્થાયી સમિતિ સહિત કુલ સાત સમિતિઓની ઉપરાછાપરી બેઠકો યોજાશે. ત્યારબાદ આ તમામ સમિતિઓનાં કામો સામાન્ય સભામાં મંજૂરી અર્થે રજૂ કરાશે. શુક્રવારે સવારે ૧૦ વાગ્યે ડ્રેનેજ કમિટીની બેઠક મળશે, જેમાં ૬ કામો રજૂ થશે. ૧૦.૩૦ વાગ્યે પબ્લિક ટ્રાન્સપોર્ટ સમિતિમાં ૨ કામો, ૧૧.૩૦ વાગ્યે જાહેર બાંધકામ સમિતિમાં ૨૦ કામો, ૧૨.૩૦ વાગ્યે ટી.પી. સમિતિમાં ૫ કામો, ૧.૩૦ વાગ્યે પાણી સમિતિમાં ૧૭ કામો અને ૨.૩૦ વાગ્યે લાઈટ એન્ડ ફાયર સમિતિમાં સૌથી વધુ ૩૦ કામો રજૂ થવાના છે. સાંજે ૪ વાગ્યે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ૨૧ કામો રજૂ થશે. એક જ દિવસે કુલ ૧૦૧ કામો પર ચર્ચા-મંજૂરીની પ્રક્રિયા આટોપાશે અને નિયમ પ્રમાણે અઠવાડિયા પહેલાં સામાન્ય સભાના એજન્ડા પર કામો લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
ફાઇલોનો બેકલોગ પૂરો કરવા મથામણ
મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ફાઇલો ધીમી ગતિએ ચાલતી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. પેટા સમિતિઓના ચેરમેન, સભ્યો અને અધિકારીઓ ખુદ આ ધીમી પ્રક્રિયાથી મૂંઝવણમાં મુકાયા હતા. પરંતુ હવે જ્યારે ટર્મ પૂરી થવાના દિવસો નજીક આવ્યા છે, કમિશનર એમ.નાગરાજને કમર કસી હતી. બુધવારે કમિશનરે આઇસીસીસી ખાતે વિવિધ વિભાગોને ક્રમશ: બોલાવી બાકી કે અટકેલી ફાઇલોનો ચિતાર મેળવી મંજૂરી અર્થેની પ્રક્રિયા આગળ ધપાવવા પ્રયાસ કર્યો હતો.

