Voice of Surat

કેરળ હવે કેરલમ્ઃ નામ બદલવાની દરખાસ્તને કેબિનેટની મંજૂરી

Posted On: |3 min read
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણયઃ વડાપ્રધાન મોદીએ ભવ્ય સંસ્કૃતિ સાથેના જોડાણને મજબૂત બનાવતો નિર્ણય ગણાવ્યો

કેરળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય કેબિનેટે રાજ્યના નામને કેરળથી બદલીને કેરલમ્ કરવાની રાજ્ય સરકારની દરખાસ્તને મંગળવારે મંજૂરી આપી હતી. નવા પીએમઓ સંકુલ સેવા તીર્થ ખાતે યોજવામાં આવેલી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં આ મોટો નિર્ણય કરાયો હતો. પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની નિર્ણયની જાહેરાત કરતાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે કેરળનું નામ બદલીને કેરલમ્ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કેબિનેટના નિર્ણયની પ્રશંસા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તે રાજ્યના લોકોની મક્કમ ઇચ્છાશક્તિનું પ્રતિબિંબ છે. આ નિર્ણય આપણી ભવ્ય સંસ્કૃતિ સાથેના જોડાણને મજબૂત બનાવવાના અમારા પ્રયાસો સાથે સુસંગત છે.

કેરળ વિધાનસભાની ચૂંટણી આ વર્ષના એપ્રિલમાં નિર્ધારિત છે, કારણ કે 140 સભ્યોની વિધાનસભાની મુદત 23મેએ પૂરી થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પછી બંધારણની કલમ 3ની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ કેરળ (નામમાં ફેરફાર) બિલ, 2026 નામનું કેરળ વિધાનસભામાં મોકલશે અને તેનો અભિપ્રાય મેળવશે. કેરળ વિધાનસભાના મંતવ્યો પ્રાપ્ત થયા પછી, ભારત સરકાર સંસદમાં કેરળનું નામ બદલીને કેરલમ્ કરવા માટેનું આ બિલ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી માગશે. નામના ફેરફારની દરખાસ્તની કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિચારણા કરી હતી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મંજૂરી પછી કેબિનેટ માટેની ડ્રાફ્ટ નોટ કાનૂની બાબતોના વિભાગ તથા કાયદા અને ન્યાય મંત્રાલયને અભિપ્રાય માટે મોકલવામાં આવી હતી. આ બંને વિભાગોએ નામ બદલવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.કેરળ વિધાનસભાએ 24 જૂન 2024ના રોજ રાજ્યનું નામ બદલવા અંગેનો એક ઠરાવ સર્વસંમતિથી પસાર કર્યો હતો. આ ઠરાવમાં જણાવાયું હતું કે અમારા રાજ્યનું નામ મલયાલમ ભાષામાં ‘કેરલમ્’ છે. રાજ્યોની રચના 1 નવેમ્બર, 1956ના રોજ ભાષાના આધારે કરાઈ હતી. કેરળ પીરાવી દિવસ પણ 1 નવેમ્બરે આવે છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી મલયાલમ ભાષા બોલતા લોકો માટે સંયુક્ત કેરળની રચનાની જોરદાર માંગ કરવામાં આવી રહી છે, પરંતુ બંધારણની પ્રથમ અનુસૂચિમાં આપણા રાજ્યનું નામ ‘કેરળ’ તરીકે નોંધાયેલું છે. આ વિધાનસભા સર્વાનુમતે કેન્દ્ર સરકારને અપીલ કરે છે કે તેઓ બંધારણની કલમ 3 મુજબ નામ બદલીને ‘કેરલમ્’ કરવા માટે તાત્કાલિક પગલાં લે.

આ પછી કેરળ સરકારે કેન્દ્ર સરકારને બંધારણની કલમ 3 અનુસાર ‘કેરળ’નું નામ ‘કેરલમ્’ કરીને બંધારણની પ્રથમ અનુસૂચિમાં સુધારો કરવા માટે જરૂરી પગલાં લેવાની વિનંતી કરી હતી. બંધારણના કલમ 3 હેઠળ રાજ્યોના નામોમાં ફેરફાર કરી શકાય છે. રાષ્ટ્રપતિની ભલામણને આધારે કાયદો પસાર કરીને સંસદ કોઇ પણ રાજ્યના નામમાં ફેરફાર કરી શકે છે.