Voice of Surat

ક્રિપ્ટો એક્સચેન્જનો છબરડોઃ રૂ.1.50 લાખ કરોડના બિટકોઇન ભૂલમાં ટ્રાન્સફર કર્યાં!!

Posted On: |1 min read
Voice of Surat News

ક્રિપ્ટોની દુનિયામાં ક્યારેક એવી ઘટનાઓ બની જાય છે, જે સપના જેવી લાગે. દક્ષિણ કોરિયાના મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બિથમ્બ પર એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર એક માનવીય ભૂલને કારણે 249 લોકો રાતોરાત કરોડપતિ બની ગયા, કેમ કે ક્રિપ્ટો એક્સચેંજે ભૂલથી તેમના ખાતામાં રૂ. ₹1,50,00,00,00,000ના મૂલ્યના બિટકોઇન ટ્રાન્સફર કરી દીધા હતા. પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન થયેલી આ ભૂલના કારણે એક્સચેન્જ મુશ્કેલીમાં મૂકાઇ ગયું હતું, અને તેના કારણે થોડા સમય માટે આખા ક્રિપ્ટો માર્કેટને પણ હચમચી ગયું હતું. હકીકતમાં, બિથમ્બે એક પ્રમોશનલ ઇવેન્ટ હેઠળ યુઝર્સને ઇનામ આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ દરમિયાન એક કર્મચારી પાસેથી મોટી ટાઇપિંગ ભૂલ થઈ ગઈ. કોરિયન વોનની જગ્યાએ ચુકવણી યુનિટમાં ભૂલથી BTC (બિટકોઇન) ટાઇપ થઈ ગયું. પરિણામે શુક્રવાર સાંજે લગભગ 7 વાગ્યે 249 યુઝર્સના ખાતાઓમાં કુલ 6,20,000 બિટકોઇન ટ્રાન્સફર થઈ ગયા.

આ ભૂલના કારણે દરેક યુઝરને સરેરાશ આશરે 2,490 બિટકોઇન મળ્યા. તે સમયે એક યુઝરને મળેલા બિટકોઇનની કિંમત અંદાજે 166 મિલિયન ડોલર (લગભગ 1,500 કરોડ રૂપિયા) હતી. એટલી મોટી રકમ એકસાથે ખાતામાં જોઈને ઘણા યુઝર્સ ચોંકી ગયા, જ્યારે કેટલાકે તકનો લાભ લઈને બિટકોઇન વેચી પણ દીધા હતા. બિથમ્બને પોતાની ભૂલની જાણ થતાં જ કંપનીએ 35 મિનિટની અંદર ટ્રેડિંગ અને વિથડ્રૉલ પર રોક લગાવી દીધી. એક્સચેન્જના જણાવ્યા મુજબ, તેમણે સફળતાપૂર્વક 6,18,212 બિટકોઇન પાછા મેળવી લીધા છે.(એજન્સી)