સુંવાલીના દરિયાકાંઠે ત્રણ દિવસના બીચ ફેસ્ટીવલના આયોજનને ઉમળકાભેર વધાવ્યું

રાજ્યના પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે તા.૯ થી ૧૧ જાન્યુ. દરમિયાન આયોજિત સુંવાલી બીચ ફેસ્ટિવલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા બે ફેસ્ટિવલની સરખામણીએ ત્રીજા વર્ષે લાખ્ખોની સંખ્યામાં સુરતના સહેલાણીઓએ સુંવાલી બીચ ફેસ્ટિવલમાં વિવિધ આયોજનની મજા માણી હતી.
ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ સુંવાલીના દરિયાકાંઠે જાણે માનવમહેરામણ ઉમટી પડ્યું હતું અને સૌએ આનંદથી ઉજાણી કરી હતી એમ જણાવતા ધારાસભ્ય સંદીપ દેસાઈએ કહ્યું કે, સુંવાલી બીચ ફેસ્ટિવલ લોકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. છેલ્લા બે આયોજનમાં ઉમટી પડેલ માનવમહેરામણથી પણ વધુ આ વર્ષે સહેલાણીઓએ ફેસ્ટિવલની મજા માણી છે. નવા વર્ષેની શરૂઆતે સુરતની જનતાને આનંદ ઉલ્લાસ થાય અને મોજ પડી જાય તે માટે પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા આ વર્ષે પણ વૈવિધ્યપૂર્ણ સવલતોથી પરિપૂર્ણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સમન્વયથી સુંવાલી બીચ ફેસ્ટિવલનું સફળ આયોજન પાર પડ્યું છે.
તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય જળ શક્તિમંત્રી શ્રીસી. આર. પાટીલે પણ સ્થાનિક નાગરિકો માટે રોજગારીની તકો વધુ ને વધુ સર્જાય તેવા પ્રયાસો કરી વિકાસને વેગ આપવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ બીચ ફેસ્ટિવલમાં મુખ્ય આકર્ષણો પૈકી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ દિવસે ઓસમાણ મીર અને આમિર મીર, દ્વિતીય દિવસે ઈન્ડિયન આઈડલ ફેમ ભૂમિ ત્રિવેદી તેમજ તૃતીય સમાપન દિવસે સાંત્વની ત્રિવેદીએ લાઈવ પર્ફોમન્સ કર્યું હતું અને શ્રોતાઓને સૂરોના મહાસાગરમાં તરબોળ કર્યા હતા. વૈવિધ્યસભર વાનગીઓનું રસપાન કરાવતા ૧૩૦ જેટલા ફૂડ સ્ટોલ, રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓએ સહેલાણીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પોલીસ અને વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓએ સહેલાણીઓની સવલતો અને સુરક્ષા માટે શ્રેષ્ઠતમ્ કાર્યપ્રણાલી અપનાવી કોઈપણ તકલીફ ન થાય તેવી વ્યવસ્થા પાર પાડી તે બદલ તમામનો આભાર પણ માન્યો હતો.
આ વર્ષે બીચ ફેસ્ટિવલમાં વ્યવસ્થાપન અને સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સચોટ 'હ્યુમન કાઉન્ટિંગ' કરવામાં આવી રહી છે તે મુજબ પ્રથમ દિવસે ૬૫ હજારથી વધુ, દ્વિતીય દિવસે ૧.૫૦ લાખથી વધુ, તૃતીય દિવસે ૨.૫૦ લાખ થી વધુ લોકોએ સુંવાલી બીચ ફેસ્ટિવલની મજા માણી હતી.

