Voice of Surat

સીટમે– ર૦ર૬ એકઝીબીશનથી એમ્બ્રોઇડરી સહિત ટેક્ષ્ટાઇલની અદ્યતન મશીનરીમાં રૂપિયા ૮પ૦ કરોડથી વધુનું રોકાણ આવવાની સંભાવના : ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસી

Posted On: |2 min read
ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના સંયુકત ઉપક્રમે યોજાયેલા ‘સીટમે– ર૦ર૬’ એકઝીબીશનની દેશભરમાંથી ૩૯ હજારથી વધુ બાયર્સ અને વિઝીટર્સે મુલાકાત લેતા એકઝીબીટર્સને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ૯, ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો– સીટમે ર૦ર૬’ યોજાયું હતું, જેને દેશભરમાંથી બાયર્સ, ટ્રેડર્સ અને વેપારીઓનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

ચેમ્બર પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સીટમે પ્રદર્શનમાં પ્રથમ દિવસથી જ બાયર્સનો ધસારો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે ૭૦૮ર, બીજા દિવસે ૧૧૭૮૬, ત્રીજા દિવસે ૧પર૮૦ અને આજે ચોથા દિવસે ૪૮૬૦ મળી ચાર દિવસમાં કુલ ૩૯૦૦૮ બાયર્સ, ટ્રેડર્સ અને વેપારીઓએ સીટમેની મુલાકાત લઇ તેને ભવ્ય સફળતા અપાવી છે. સીટમે એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી સહિત ટેક્ષ્ટાઇલ મશીનરીની ૧૦૦ બ્રાન્ડની ર૦૦ જેટલી મશીનરીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં રૂપિયા પ લાખથી લઇને રૂપિયા ૬૦ લાખ સુધીની મશીનરીનું પ્રદર્શન કરાયું હતું, જેમાં પાર્ટીસિપેટ કરનારા ૬૦ એકઝીબીટર્સને ર૮થી ૩૦ મશીનરીઓના ઓર્ડર આગામી એકાદ – બે મહિનામાં મળી જશે તેવું તેમના તરફથી જાણવા મળ્યું હતું. એક એકઝીબીટરના જણાવ્યા મુજબ, તેમને પોતાના સ્ટોલ પર એમ્બ્રોઇડરીની ચાર અદ્યતન મશીનરી પ્રદર્શન માટે મુકી હતી. જેમાં રૂપિયા રપ લાખ, રૂપિયા ૪૦ લાખ અને રૂપિયા ૬૦ લાખની મશીનરીનો સમાવેશ થયો હતો. આ એકઝીબીશનમાં ભાગ લેવાને કારણે તેમનો દેશના જુદા–જુદા શહેરમાંથી આવેલા બાયર્સની સાથે સીધો સંપર્ક થયો હતો, જેને કારણે તેમની મશીનરીની જે જેન્યુન ઈન્વાયરી જનરેટ થઇ હતી તે મુજબ એકાદ મહિનામાં તેમને કુલ રપ જેટલી મશીનરીના ઓર્ડર મળી જશે. એમ્બ્રોઇડરી મશીનરી અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરીમાં દર વર્ષે નવી ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. જૂની મશીનરીવાળા ઉદ્યોગપતિઓ હવે નવી ટેકનોલોજીમાં રોકાણ કરે છે, આથી આગામી છ મહિનામાં હજારોની સંખ્યામાં નવા મશીન વેચાઇ જવાની આશા એકઝીબીટર્સ તરફથી વ્યકત કરવામાં આવી હતી. જેને પગલે સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને ડેવલપ થવા વધુ ગતિ મળશે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ડોમેસ્ટીક માર્કેટમાં તેઓની પ્રોડકટ વેચી જ રહયા છે પણ હવે તેઓ વૈશ્વિક માર્કેટમાં પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવાની દિશામાં આગળ વધી રહયાં છે. આથી દેશભરમાંથી જેન્યુન બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવ્યા હતા.