Voice of Surat

VNSGU ખાતે રાજ્યક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટની સફળ પૂર્ણાહુતિ

Posted On: |2 min read
ચાર દિવસીય એથ્લેટિક્સ મીટમાં રાજ્યભરના ૩૯૧૭ બાળ ખેલાડીઓએ ભાગ લીધો- ૧૦૫૬ વિજેતા સ્પર્ધકોને રૂ.૨૨ લાખના ઇનામ એનાયત કરાયા

વીર નર્મદ યુનિવર્સિટી- VNSGU ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટની સફળ પૂર્ણાહુતિ થઇ હતી. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને એન.જે.ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ચાર દિવસીય એથ્લેટિક્સ મીટમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કુલ ૩,૯૧૭ બાળ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા બનેલા ૧૦૫૬ સ્પર્ધકોને જેઓને મેડલ, પ્રમાણપત્ર સહિત રૂ.૨૨ લાખની ઈનામી રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.અંડર-૧૧ એથ્લેટિક્સ મીટમાં ૯ અને ૧૧ વર્ષથી નાની વયના ભાઈઓ અને બહેનોની ચાર કેટેગરીમાં ૬૦, ૧૦૦, ૨૦૦ તેમજ ૪૦૦ મી.ની દોડ, હર્ડલ રેસ, ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રો જેવી ૧૧ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિજેતા બાળકોને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-SAG દ્વારા લેવાતી DLSS-ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ પરીક્ષા આપવાની સીધી તક મળશે, જે બાળકોની રમતગમતની કારકિર્દી માટે ગેમ-ચેન્જર સાબિત થશે.નોંધનીય છે કે, ચિલ્ડ્રન્સ યુનિ. દ્વારા અગાઉ આયોજિત સીધી રાજ્ય કક્ષાની અંડર–૧૧ એથ્લેટિક્સ મીટની ત્રણ સિઝનમાં કુલ ૨૦ હજારથી વધુ બાળખેલાડીઓ ભાગ લઇ ચૂક્યા છે અને જે પૈકી અનેક બાળકો આજે સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારત માટે ઓલિમ્પિક રમવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમજ અનેક બાળકોએ ડીએલએસએસ શાળામાં પ્રવેશ મેળવ્યા છે.આ પ્રસંગે એન.જે.ગ્રૂપના કો-ફાઉન્ડર અને પ્રમોટરશ્રી નીરજ ચોકસી, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિ.ના કુલપતિ ડૉ.ટી.એસ.જોષી, કુલસચિવ ડૉ.નિલેશ પંડ્યા, VNSGUના અધ્યાપક કિર્તીબેન માટલીવાલા સહિત સ્પર્ધકો હાજર રહ્યા હતા.