આસારામ આશ્રમ જમીન વિવાદ મામલે અપીલમાં હાઈકોર્ટનો ચુકાદો અનામત

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાસે આવેલી આસારામ આશ્રમની અંદાજિત 45,000 ચો.મી. જમીન આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને પરત લેવા અંગેની રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની કાર્યવાહીને પડકારતી અરજીઓ ફગાવી દેવાના સિંગલ જજના ચુકાદા સામે હાઇકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ અપીલ કરવામાં આવી છે. આ અપીલમાં તમામ પક્ષોની લંબાણપૂર્વકની સુનાવણી પૂર્ણ થઇ છે અને હવે ડિવિઝન બેંચે ચુકાદો અનામત રાખ્યો છે. અલબત્ત, આ ચુકાદો ન આવે ત્યાં સુધી કોઇ આકરી કાર્યવાહી હાલ હાથ નહીં ધરવાનું કોર્ટે કહ્યું છે.
ફેબ્રુઆરીના શરૂઆતમાં હાઇકોર્ટના સિંગલ જજે આશ્રમની અરજી રદ કરતાં સરકારની મોટી જીત થઇ હતી. જોકે, આ ચુકાદા સામે અપીલ કરવા માટે સ્ટે પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આશ્રમ તરફથી હાઇકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અપીલમાં આશ્રમ, સરકાર અને મ્યુનિ.કોર્પોરેશન સહિતના તમામ પક્ષોએ ધારદાર દલીલો કરી હતી અને પોતપોતાના પક્ષો કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ દલીલોનો દોર બુધવારે પૂર્ણ થતાં ડિવિઝન બેંચે ચુકાદો અનામત રાખ્યો છે.
આ સમગ્ર મામલે શરૂઆતમાં સંત શ્રી આસારામ આશ્રમ તરફથી હાઇકોર્ટ સમક્ષ બે જુદીજુદી રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, આશ્રમની જમીન પરત લેવા માટેની ઓથોરિટી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, એમાં કાનૂની પ્રક્રિયાનો અમલ કરવામાં આવ્યો નથી અને આ કાર્યવાહી અચાનક કરવામાં આવી છે. આ અરજીઓમાં જમીન પરત લેવા અને દબાણો તોડવા સામે રાહતની માગ કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર અને કોર્પોરેશન તરફથી મુખ્ય સરકારી દલીલ કરી હતી કે, વર્ષો પહેલાં આશ્રમને ધાર્મિક પ્રવૃત્તિ માટે જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ એ જમીન પર ગેરકાયદે દબાણો અને બાંધકામ કરવામાં આવ્યા હતા. જે જમીન ફાળવણીની શરતોની વિરુદ્ધનું કૃત્ય હતું. AMC દ્વારા આશ્રમને કાયદેસરની નોટિસ પણ પાઠવવવામાં આવી હતી. જેથી કરીને શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી કરી શકાય. આશ્રમ તરફથી AMCને તેના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટેની અરજી પણ કરવામાં આવી હતી, જેને રદ કરવામાં આવી હતી. જાહેર જમીન ઉપર આ રીતે દબાણ કર્યા બાદ તેને નિયમિત કરવાની બાબત સ્વીકારી શકાય નહીં.

