ભરત કેન્સર હોસ્પિટલ દ્વારા લીવર કૅન્સર વિષય અંગે CME (કન્ટીન્યૂઈંગ મેડિકલ એજ્યુકેશન) સેમિનાર યોજાયો

ભરત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમજ નિરાલી મેમોરિયલ રેડિએશન સેન્ટર દ્વારા મેક્સ નાણાવટી-મુંબઈ અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ(SGCCI)ના સહયોગથી લીવર કૅન્સર વિષયક CME (કન્ટીન્યૂઈંગ મેડિકલ એજ્યુકેશન) સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ચેરમેન ડૉ.મહેન્દ્રસિંહ ચૌહાણે ભરત કેન્સર હોસ્પિટલમાં મળતી સુવિધાઓની જાણકારી આપી અહીં અત્યાધુનિક પેથોલોજી લેબ નિર્માણ પામશે એમ જણાવ્યું હતું. આ પ્રકારના સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ડોક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓને આ ગંભીર બીમારીના નિદાન અને સારવારમાં આવતા નવા પરિવર્તનોથી માહિતગાર કરવાનો હોવાનું તેમણે ઉમેર્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ કતારગામવાળાએ ઉપસ્થિત તમામ વિશેષજ્ઞ ડોક્ટરો, મેડિકલ સ્ટાફ અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સહયોગ બદલ આભાર વ્યક્ત કરી કહ્યું કે, આ કોન્ફરન્સ સાઉથ ગુજરાતમાં લીવર કૅન્સર અને પિત્તાશયના કેન્સરની સારવારને વધુ અસરકારક તેમજ મેડિકલ ક્ષેત્રમાં જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ તકે ડૉ.સમીર શાહ, ડૉ.ગણેશ નાગરાજન અને મેક્સ નાનાવટી મુંબઈની ટીમે લીવર કેન્સર તેમજ લીવર ટ્રાન્સપ્લાન્ટને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ડૉ. નિલેશ મહાલે(મેડિકલ ડિરેક્ટર)ના નેતૃત્વ હેઠળ લીવર કૅન્સર અને પિત્તાશયના કેન્સર ઉપર પેનલ ડિસ્કશન કરાયું હતું. જેમાં વિશેષજ્ઞ ડોક્ટરો દ્વારા આધુનિક ઉપચાર તેમજ સંભવિત પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

